
શ્રી
કરણભાઈ સાથે નાનપણથી ઘણો અંગત સંબંધ. લગભગ સાથે મોટા થયા;
શ્રી અષ્ટપ્રકારી પૂજા બાળક મંડળ,
શ્રી જીવદયા મંડળ તથા
શ્રી મુનિસુવ્રત આરાધક ગ્રુપ; બધેજ સાથે ભક્તિ કરતા-કરાવતા. એટલે ગુરુદેવ દ્વારા દીક્ષા મુહૂર્ત પ્રદાન થતાંજ ટીકીટો બુક કરાવી. આજ સુધી કોઈ પણ મુમુક્ષુની દીક્ષા જોઈ ન હતી -
મારા જીવનનો આ પ્રથમ દીક્ષા મહોત્સવ હતો; એમાં અંગત મિત્રની દીક્ષા; એમાં મારા ઉપકારી ગુરુદેવની નિશ્રા (પરમ પૂજ્ય ગુરુદેવાચાર્ય જગચ્ચન્દ્રસૂરીશ્વરજી મહારાજા); આવા લાભલાભનો સંગમ છોડવો અશક્ય હતો.
૨૭ નવેમ્બર ૨૦૧૯ ની રાત્રે
ચેન્નાઇ પહોંચ્યા. વર્ષારાણીએ પહોંચતાજ સ્વાગત કર્યું. સાવકારપેટ વિસ્તારના ચંદ્રપુરી ભવનમાં દિક્ષાર્થી પરિવારે ઉતરવાની સુંદર વ્યવસ્થા કરી આપી હતી. ૨૮ તારીખે પ્રાતઃ શ્રી જીરાવલા પાર્શ્વનાથ પ્રભુ જિનાલયની અંજનશલાખા પ્રતિષ્ઠા મહોત્સવ તથા ૪-૪ મુમુક્ષુઓની દીક્ષા મહોત્સવના ભવ્યાતિભવ્ય, હજારોની મેદનીને સમાવનાર વિશાળ
મંડપનું ઉદ્ઘાટન થયું. પરમ પૂજ્ય ગુરુદેવાચાર્ય
શ્રી જગચ્ચન્દ્રસૂરીશ્વરજી મહારાજા તથા તેમના વિશાળ શ્રમણ-શ્રમણી ભગવંતોના પરિવારના દર્શન થયા. પરમ પૂજ્ય આચાર્ય
શ્રી તીર્થભદ્રસૂરીશ્વરજી મહારાજાએ પણ તેમના શ્રમણ-પરિવાર સાથે નિશ્રા પ્રદાન કરીને મહોત્સવમાં ઉલ્લાસ અને દિવ્યતાની અભિવૃદ્ધિ કરી; તેમના શિષ્ય પરિવારના મુનિશ્રી તીર્થઘોષવિજયજીના દર્શન થયા (સંસારી નામ - ક્રિશ ગાલા, જેમની ભવ્યાતિભવ્ય "રાજપથ" દીક્ષા - ૨ વર્ષ પહેલાં થઈ હતી. તેમના વિષે એવું જાણવા મળ્યું છે કે દીક્ષા દિવસથી તેઓ પ્રાયઃ મૌન રહ્યા છે.).
 |
પરમ પૂજ્ય ગુરુદેવાચાર્ય શ્રી જગચ્ચન્દ્રસૂરીશ્વરજી મહારાજા તથા પરમ પૂજ્ય શ્રી શીલચન્દ્રવિજયજી મહારાજા |
સવારે ૧૦ વાગે સાવકારપેટ મધ્યે “નયા ચંદ્રપ્રભુ મંદિરના” ભવ્ય જીનાલાયમાં મૂળનાયક પ્રભુની અદ્વિતીય પ્રતિમા પર ચારેય મુમુક્ષુ દ્વારા "શ્રી વર્ધમાન શક્રસ્તવના" અભિષેક થયા. પૂજ્ય ગુરુભગવંતોના શ્રીમુખે શક્રસ્તવના મંગલ પાઠ સાંભળતા પ્રભુજી પર થતા વિશિષ્ટ ઔષધિઓ દ્વારા અભિષેક નિહાળ્યા. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી શીલચન્દ્રવિજયજીના શુભ આશીર્વાદના કારણે સંગીત ભક્તિ કરાવવાની સાથે આચાર્ય ભગવંત, ૭૦+ શ્રમણ-શ્રમણી ભગવંતો, ૪ મુમુક્ષુ તથા અનેક શ્રાવક શ્રાવિકાઓની સમક્ષ પાંચમા અભિષેક દરમ્યાન શક્રસ્તવ ગાવાનો લાભ મળ્યો; તે સમયે શ્રી ચંદ્રપ્રભુ સ્વામીની અદ્ભુત પ્રતિમા પર જયારે લાલ વર્ણના સુગંધિત કેશરની ધારા વહી રહી હતી ત્યારે એવુજ લાગી રહ્યું હતું જાણે કરણભાઇ, કેશરની ગરમીથી પોતાના કર્મોને બાળી રહ્યા હતા. શું અદ્વિતીય લાભ ! રાત્રે, પૂજ્ય આચાર્યભગવંત તથા મુનિરાજ ગુરુદેવ શ્રી શીલચન્દ્રવિજયજી મહારાજાએ પોતાનો અમૂલ્ય સમય ફાળવી હિતશિક્ષા આપી.
 |
શ્રી વર્ધમાન શક્રસ્તવની દિવ્ય પળો |
 |
શ્રી વર્ધમાન શક્રસ્તવની દિવ્ય પળો |
૨૯ નવેમ્બરના રોજ સવારે મુમુક્ષુઓનું "બેઠું વર્ષીદાન" થયું. બગીથી ઉતરી, બધા કરણભાઈને ખભે ઉપાડી નાચ્યા ઝૂમ્યા. સાફા-શેરવાની-મોતીઓના હાર અને ગોગલ્સમાં મુમુક્ષુ કરણભાઈનો રૂપ રાજકુમાર જેવો લાગી રહ્યો હતો. તેમનું સ્મિત -તેમનું હાસ્ય - તેમની ચારિત્ર અંગીકાર કરવાની ખુશી - તેમના રૂપમાં અલૌકિક તેજ લાવી રહી હતી! વર્ષીદાન બાદ, મંડપમાં "ગુરુ વધામણાં" તથા બહુમાન સમારોહ ઉજવાયો. ગુરુદેવના આગ્રહથી તેમાં પણ સંગીત ભક્તિ કરાવવાનો લાભ મળ્યો. મુમુક્ષુ રત્નોએ હર્ષવિભોર થઈને આચાર્ય ભગવંત તથા સમસ્ત ઉપકારી ગુરુભગવંતોને અક્ષતથી વધાવ્યા - શું અદ્ભુત પળો હતી એ ! ત્યાર બાદ મુમુક્ષુઓએ રજતના દ્રવ્ય દ્વારા “પ્રીતિદાન” કર્યું; તેમાં એક અલૌકિક દ્રશ્ય નિહાળ્યું - એક વિકલાંગ આરાધક, મુમુક્ષુ શ્રી કરણ ભાઈના હાથે પ્રીતિદાન લેવા થનગની રહ્યા હતા; તેમના આંખોથી હર્ષના આસું વહી રહ્યા હતા- વ્હીલચેરમાં હોવા છતાં તેમના હાથ પગ છટપટ કરી જાણે નૃત્ય કરી રહ્યા હતા. ચારિત્ર ધર્મ પ્રત્યે કેવા અદભુત કોટિના ભાવ! અનેક ભાવિકોના સાથે મને પણ કરણભાઈના સ્વહસ્તે પ્રીતિદાન પ્રાપ્ત થયું.
 |
વર્ષીદાન શોભાયાત્રા |
 |
ગુરુ વધામણાં |
 |
પ્રીતિદાન |
બપોરે, પરમ પૂજ્ય ગુરુદેવાચાર્ય જગચ્ચન્દ્રસૂરીશ્વરજી મહારાજા "ચંદ્રપુરી ધર્મશાળામાં" પધાર્યા. કલકત્તાથી પધારેલ લગભગ ૮૦ ભક્તોએ ગુરુદેવનું ભાવભર્યું સ્વાગત કર્યું. ગુરુદેવે, મુમુક્ષુ શ્રી કરણભાઈની સર્વવિરતી સ્વીકારવાના પ્રસંગ નિમિત્તે સહુને દેશવિરતી સ્વીકારવા પ્રેરણા કરી. ત્યાર બાદ “ગુજરાતી વાડી” ઉપાશ્રયમાં, પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી શીલચન્દ્રવિજયજી, કલકત્તાના રત્ન શ્રી હીતાંશચન્દ્રવિજયજી, ભક્તિરાગમાં ડૂબેલા શ્રી વિશ્વચન્દ્રવિજયજી મહારાજા, પરમ વૈરાગી શ્રી પ્રસન્નચન્દ્રવિજયજી, જીવમૈત્રીપ્રેમી શ્રી પૂર્ણચન્દ્રવિજયજી, સરળ સ્વભાવી શ્રી કુમુદચન્દ્રવિજયજી આદિ ગુરુભગવંતો પાસે હિતશિક્ષા પ્રાપ્ત કરી. સાંજે મુમુક્ષુરત્ન કરણભાઈ તથા પ્રિન્સીબેનને અંતિમ વાયણા કરાવવાનો લાભ મળ્યો. જયશ્રી કાકીએ છેલ્લી વાર તેમના પુત્રરત્નને પ્રેમભરેલા હૈયેથી વપરાવ્યું. ધન્ય માતા જેણે પોતાના એકમાત્ર કાળજાના ટુકડાને શાસનને સમર્પિત કરી દીધો !
 |
ગુરુદેવના ચંદ્રપુરી ભવનમાં પગલાં |
 |
અંતિમ વાયણું |
રાત્રે, "વિદાઈ સમારોહ" ઉજવાણો. વિવિધ પ્રદર્શીની અને ઠાઠ-માઠ સાથે પાલખીમાં બેસાડી મુમુક્ષુશ્રી કરણ ભાઈનો નાચતા-ઝુમતા પ્રવેશ કરાવ્યો. ભાવિકભાઈ મેહતાની ભાવભીની સંવેદનાઓ અને પારસભાઈ ગડાના મીઠા મધુરા કંઠે સંયમની લેહર પ્રસરાવી; જાણે બધાજ સંયમના રંગે રંગાઈ ગયા હતા. તેઓ બન્નેએ ચારિત્ર ધર્મ પ્રત્યે એવા અદ્ભૂત અહોભાવ પ્રગટાવ્યા જેને શબ્દોમાં વર્ણવવું અશક્ય છે. તે રાતે, વૈરાગી પર સહુને અથાગ રાગ જાગ્યો હતો - કોઈના આંખે હર્ષના આંસુ હતા તો કોઈને સંયમ જીવન ન મળવાની વેદનામાં આંખે ચોમાસું બેઠું હતું. ચારેય મુમુક્ષુઓએ પૂજ્ય માતા પિતાના ઉપકારો અભિવ્યક્ત કરવા તેમને અક્ષતથી વધાવ્યા. દીક્ષા મહોત્સવના દરેક કાર્યક્રમ, (પોતાના અંતરના દુઃખને ગૌણ કરીને) શ્રી નિલેશ કાકાએ ખુબજ હર્ષોલ્લાસ સાથે માણ્યા હતા - તેમનો એકમાત્ર સુપુત્ર, પ્રભુ વીરના પંથે જઈ રહ્યો હતો - તેમના ગૌરવ અને હર્ષની કોઈ સીમા ન હતી ! કરણભાઇનું સદૈવ હસતું મુખ જાણે તેમને આશ્વાસન આપી રહ્યું હતું. જ્યારે જયશ્રી કાકી કરણભાઇને ભેટી પડ્યા ત્યારે માત્ર એક ક્ષણ માટે એવું લાગ્યું કે કરણભાઇની આંખો ભીની થઇ હશે - બાકી તેમનું સ્મિત સતત તેમની ખુશી વ્યક્ત કરી રહ્યું હતું. છેલ્લે બધા મુમુક્ષુઓએ પોતાના ભાવો વ્યક્ત કર્યા- એમાં ખાસ કરીને ચેન્નાઇના રહેવાસી મુમુક્ષુ શ્રી લતાબેન સમદડીયાની (પૂ. સાધ્વીશ્રી આર્ષપ્રજ્ઞાશ્રીજી) નિખાલસ અભિવ્યક્તિ હૃદયને સ્પર્શી ગઈ – C.A. ની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ, ધર્મમાં ઓછો રસ હોવા છતાં તેમના માતા-પિતા-બોસ-ગુરુદેવ-ગુરુણીની પ્રેરણાથી સંયમના ભાવ જાગ્યા ! કેવા ભાવ એમના. એમની આંખોતો હર્ષના દરિયામાં ગોતા ખાતી હતી ! છેલ્લે, કરણભાઇના જન્મથી લઈને અત્યાર સુધીની યાદોનો એક વિડીયો બધાએ સાથે મળીને જોયો - જૂની યાદોએ ખુશી તથા ગમગીની સાથે આપી. વિદાઈ સમારોહની પુર્ણાહુતી થતા રાત્રે એક વાગ્યો.
 |
વિવિધ પ્રદર્શીની અને ઠાઠ-માઠ સાથે પાલખીમાં બેસાડી મુમુક્ષુશ્રી કરણ ભાઈનો નાચતા-ઝુમતા પ્રવેશ |
 |
ચારેય મુમુક્ષુ રત્ન - વિદાય સમારોહ |
 |
મુમુક્ષુ શ્રી લતાબેન સમદડીયા (પૂ. સાધ્વીશ્રી આર્ષપ્રજ્ઞાશ્રીજી)
|
 |
કરણભાઈને અક્ષતથી વધાવતા |
 |
પૂજ્ય માતા પિતા સાથે શ્રી કરણભાઈ |
ધર્મશાળા પહોંચીને ઘણું મોડું થયું હોવા છતાં કરણભાઈએ અમને સમય આપ્યો. દાદીમા, નિલેશ કાકા, જયશ્રી કાકી, કરણભાઈનું ધાર્મિક સિંચન કરનારા - આશિષ કાકા, કિરણ કાકી, ચિરાગ, દિલીપ કાકા અને અમે શ્રી મુનિસુવ્રત આરાધક ગ્રુપના બધા ભાઈયોએ કરણભાઈ પાસે ક્ષમાપના માંગી. બધા કરણભાઇને ખુબ વ્હાલ અને પ્રેમથી ભેટ્યા - આ છેલ્લો અવસર હતો અમારી ભાવના વ્યક્ત કરવાનો. આંસુઓ વચ્ચે પણ જાણે હર્ષનો-ગૌરવનો-આનંદનો માહોલ હતો. નિલેશ કાકાએ ઘણા વ્હાલપૂર્વક તેમની અંતરની વાતો અમને બધાને કહી - અમને ખુબ વ્હાલથી ભેટ્યા; તેમના ભાવ- તેમની લાગણી- તેમનો શાસન પ્રત્યેનો રાગ - ગુરુદેવ પ્રત્યેની શ્રદ્ધા અને કરણભાઇના ઉજળા ભવિષ્યનું આત્મવિશ્વાસ - આ બધુજ જાણવા મળ્યું ! આ માતા-પિતાને જોઈ મસ્તક હંમેશા ઝૂકી જશે !
૩૦ નવેમ્બર - દીક્ષાનો એ ધન્ય દિવસ આવી ગયો હતો. ચેન્નઇ નગરીના વાદળોએ આખી રાત હર્ષના આંસુ વહાવ્યા હતા. સવારે પણ વર્ષારાણીનો હર્ષ માતો ન હતો - વર્ષા રૂપી આશીર્વાદ સતત ચાલુ રહ્યો. સવારે ૬: ૫૦ કલાકે પૂજા કરીને અમે કરણભાઇ સાથે છેલ્લી સેલ્ફી લીધી; તેમના રાજસ્વરૂપને અનુરૂપ, કરણભાઇ B.M.W માં બેસીને દીક્ષા મંડપ તરફ વાજતે ગાજતે પ્રયાણ કર્યું. મંડપ હજારો વ્યક્તિઓથી ખચોખચ ભરાયેલું હતું ;સામ-દામ-દંડ-ભેદનો ઉપયોગ કરીને મંડપની પ્રથમ પંક્તિમાં અમે બધા યુવાનો ગોઠવાઈ ગયા - આ દીક્ષા up -close & personal માણવી હતી. એક પણ ક્ષણ miss કરવી ન હતી. પ્રભુજીની અતિ સુંદર ભવ્યાતિભવ્ય નાણના દર્શન થયા. પૂજ્ય આચાર્ય ભગવંત ૮:૩૦ કલાકે પોતાના શ્રમણ શ્રમણી ભગવંતો સાથે પધાર્યા; દીક્ષા ભૂમિ અને નાણને અભિમંત્રિત કરી.
 |
આચાર્યશ્રી દ્વારા ભૂમિ શુદ્ધિ |
 |
દીક્ષા મંડપ
|
 |
પૂજ્યશ્રીનો શિષ્ય પરિવાર |
૮:૪૧ કલાકે શ્રી કરણભાઇ અને અન્ય મુમુક્ષુઓ મંડપે વાજતે ગાજતે ચામર નૃત્ય કરતા પધાર્યા. જયશ્રી કાકી કરણભાઇની પાછળ, મસ્તકે છાબ રાખીને હર્ષોલ્લાસ સાથે પધાર્યા. પ્રભુની નાણ સમક્ષ બધા દીક્ષાર્થી ભાન ભૂલીને નાચ્યાં. પારસભાઈ ગડાએ સુર પુરાવ્યો અને મનોજભાઈ રાઠોડે મંચનું સુંદર સંચાલન કર્યું. બધાએ ગુરુવંદન કર્યા.
૮:૫૬ કલાકે "વિજય તિલકની" ઘડી આવી. કલકત્તાના કેનિંગ સ્ટ્રીટ સંઘના જગડુશા એવા
શ્રી રાજુભાઈ કોઠારીએ કરણભાઈના વિજય તિલકનો ચઢાવો લીધો હતો. પ્રથમ શ્રી નિલેશ કાકા અને જયશ્રી કાકીએ વિજય તિલક કર્યા બાદ
મને કરણભાઈને તિલક કરવાનો લાભ મળ્યો. દીક્ષાર્થીને વિજય તિલક કરવાનો કેવો ઉત્કૃષ્ટ લાભ - આ લાભ મને મળશે એવું તો સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું; આ અમૂલ્ય લાભ આપવા હું, શ્રી રાજુભાઈ કોઠારીનો સદૈવ માટે ઋણી રહીશ!
 |
કરણભાઈનો દીક્ષા મંડપમાં પ્રવેશ |
 |
જયશ્રી કાકી દ્વારા વિજય તિલક |
૯:૨૦ કલાકે મુમુક્ષુ શ્રી કરણભાઈએ શેરવાની- સાફો ત્યાગી, પૂજાના વસ્ત્ર પહેરી પધાર્યા.
પરમાત્માની અંતિમ દ્રવ્ય પૂજા કરી. ૯:૩૨ કલાકે મુમુક્ષુઓને દીક્ષા વિધિના અંતર્ગત કટાશણુ-મુહપત્તિ અને ચરવળો અર્પણ કરવામાં આવ્યા. ૯:૩૪ કલાકે અંતિમ વાર નિલેશ કાકા અને જયશ્રી કાકીએ અક્ષતથી કરણભાઈને વધાવ્યા - ત્યાર બાદ સકલ સંઘે બધા મુમુક્ષુઓને વધાવ્યા. ૯:૩૮ કલાકે હાથમાં શ્રીફળ લઈને બધા મુમુક્ષુઓએ નાણની પ્રદક્ષિણા આપી.
સાથે સાથે આ પ્રસંગમાં એક દંપત્તીએ પણ ચતુર્થવ્રત (બ્રહ્મચર્ય વ્રત) અંગીકાર કર્યું. પરમ પૂજ્ય ગુરુદેવાચાર્ય જગચ્ચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ સ્વમુખે બધાજ મંત્રોનું ઉચ્ચારણ કર્યું. દીક્ષા વિધિ આગળ વધી - રજોહરણની ચાહમાં બધા દીક્ષાર્થી થનગની રહ્યા હતા. પરમ પૂજ્ય આચાર્ય શ્રી તીર્થભદ્રસૂરીશ્વરજી મહારાજા અને પરમ પૂજ્ય ગુરુદેવાચાર્ય જગચ્ચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ બધા મુમુક્ષુઓને દીક્ષા પૂર્વેની અંતિમ હિતશિક્ષા આપી.
 |
અંતિમ દ્રવ્ય પૂજા |
 |
ગુરુ વધામણાં |
 |
અંતિમ વધામણાં |
૧૧:૧૬ કલાકે બધા મુમુક્ષુઓએ ત્રણ વાર ઉદ્ઘોષ કર્યા -
ઇચ્છકારિ ભગવન્ ! મમ મુંડાવેહ, મમ પવ્વાવેહ ! મમ વેસં સમપ્પેહ! ૧૧:૧૭ ની શુભ ઘડીએ પરમ પૂજ્ય ગુરુદેવાચાર્યશ્રી જગચ્ચન્દ્રસૂરીશ્વરજી મહારાજા અને પરમ પૂજ્ય આચાર્યશ્રી તીર્થભદ્રસૂરીશ્વરજી મહારાજાએ શ્રી કરણભાઈને રજોહરણ પ્રદાન કર્યું ! ખુબજ અહોભાવ, હર્ષોલ્લાસ અને આનંદ સાથે શ્રી કરણભાઈએ રજોહરણ હાથે લઈને પ્રદક્ષિણા આપી - પછી ભાન ભૂલીને નાચ્યાં !
તેમના વર્ષોની સાધના અને તલપ શાંત થઇ હતી - જાણે સર્વ સુખ તેમને મળી ગયા હતા - જાણે સ્વર્ગલોકના ચરમ સુખો તેમના ચરણોમાં હતા ! તેમના બાજુમાં ઉભેલા નિલેશ કાકાનો આનંદ પણ માતો ન હતો - પારસભાઈ ગડાના સંગીતમાં બધા એવા જોડાયા કે સહુના મુખે એકજ નાદ હતો – “
સંયમ, સંયમ મારે લેવું સંયમ !”
 |
ધન્ય ઘડી |
 |
તમે ઓઘો લઈને તરિયા અમે સંસારે રડવાડિયા |
 |
સંયમ, સંયમ મારે લેવું સંયમ ! |
ત્યાર બાદ વાજતે ગાજતે નૂતન દીક્ષિતોએ મંડપથી પ્રયાણ કર્યું. તેમના વેશ પરિવર્તનની વિધિ પ્રારંભ થઇ અને મંડપમાં શ્રી નરેન્દ્રભાઇ વાણીગોટા દ્વારા તેમના ઉપકરણોના ચઢાવા પ્રારંભ થયા.
નૂતન દીક્ષિત શ્રી કરણભાઈનું મુંડન, સ્નાન અને વેશ પરિવર્તન નિહાળ્યું. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી શીલચન્દ્રવિજયજીએ સંપૂર્ણ માર્ગદર્શન પ્રદાન કર્યું. ત્યાં આશિષ કાકાએ ઢોલક સાંભળ્યું અને અમે બધા સંયમની ધૂન અને ગીતો ચાલુ રાખ્યા. ૧૨:૫૧ કલાકે નૂતન દીક્ષિત શ્રી કરણભાઈનું વેશ પરિવર્તન થયું અને ૧:૨૦ કલાકે મંડપ માટે પ્રયાણ થયું. નૂતન દીક્ષિતને જોવા બધા આતુર બેઠા હતા અને તેમના દર્શન થતાંજ બધાના હર્ષનો કોઈ પાર ન રહ્યો હતો.
૨:૧૫ કલાકે લોચ વિધિ સંપૂર્ણ થઈ અને બધાજ ગુરુભગવંતો - શ્રમણી વૃંદે વસાક્ષેપની વૃષ્ટિ કરીને નૂતન દીક્ષિતને આશીર્વાદ પ્રદાન કર્યા. બધાજ ગુરુભાગવંતોના મુખ પર અદ્વિતિય આનંદ છલકી રહ્યો હતો!
 |
વસાક્ષેપ દ્વારા આશીર્વાદ |
 |
લોચ વિધિ |
તત્પશ્ચાત સમસ્ત ગુરુભગવંતો, આચાર્યશ્રી પાસે નૂતન દિક્ષિતો માટે નામોનું સૂચન કરવા બેઠા; બધા ગુરુભગવંતોએ ૪-૫ નામો આપ્યા. બધા નામોનું અધ્યયન કરીને પરમ પૂજ્ય ગુરુદેવાચાર્યશ્રી જગચ્ચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ નૂતન દિક્ષિતોના નૂતન નામ નક્કી કર્યા.
૨:૪૯ ની શુભ ઘડીએ નૂતન દીક્ષિત શ્રી કરણભાઈના ગુરુનું નામ તથા નૂતન નામ ઘોષિત કરવામાં આવ્યું. ઘોષણા થતાજ શ્રી મુનિસુવ્રત આરાધક ગ્રુપના સભ્યોનો આનંદ, પરમાનંદ બન્યો. જે પરમ ઉપકારી ગુરુભગવંતે અમોને પગલે-પગલે માર્ગદર્શન આપ્યું, જે પરમ ઉપકારી ગુરુદેવે અથાગ મહેનત કરીને અમારા અંદર અંશ-માત્ર જ્ઞાનનો દિપક પ્રગટાવ્યો,
તેવા ગુરુદેવ શ્રી શીલચન્દ્રવિજયજી મહારાજા નૂતન દીક્ષિત શ્રી કરણભાઈના ગુરુ બન્યા તથા નૂતન દીક્ષિત શ્રી કરણભાઇનું નામ પડ્યું - શ્રી કૃતનિશ્ચયવિજયજી મહારાજા ! તેમના નામમાંજ અદ્ભૂત સાર્થકતા હતી - જે કાર્યનું નિશ્ચય કરશે, તે સંપૂર્ણ થશેજ ! સમસ્ત નૂતન દિક્ષિતોના નામો ઘોષિત કર્યા બાદ ૩ વાગે દીક્ષા વિધિ સંપૂર્ણ થઇ અને અંતિમ ક્ષણોમાં નૂતન દિક્ષિતોના ચરણોમાં -"જા સંયમ પંથે દીક્ષાર્થી" ગીતના માધ્યમથી મેં અંજલિ સ્વરૂપ ભેંટ ધરી.
 |
નૂતન દિક્ષિત શ્રી કૃતનિશ્ચયવિજયજી મહારાજા
|
દીક્ષા દિવસની સાંજે અમે ગુરુદેવના તથા નૂતન દીક્ષિત શ્રી કૃતનિશ્ચયવિજયજી મહારાજાના દર્શન કરવા ઉપાશ્રય પહોંચ્યા. છેલ્લે છેલ્લે પણ પૂજ્ય આચાર્ય ભગવંતે અમારી માટે સમય ફાળવી, યોગશાસ્ત્ર ગ્રંથોમાંથી હિતશિક્ષા આપી. પૂજ્ય ગુરુદેવ શ્રી શીલચન્દ્રવિજયજી મહારાજાએ મંગલ આશીર્વાદ-બોધપાઠ આપ્યો અને નૂતન મુનિરાજના ચરણ સ્પર્શ કરીને દિવસ ધન્ય બન્યો! રાત્રે ૯ વાગે પણ તેમનું સ્મિત-તેમના ચેહરાનું નૂર અને તેમનું તેજ અદ્વિત્ય હતું!
આ સમસ્ત મહોત્સવમાં મને એક ક્ષણ માટે પણ એવું લાગ્યું ન હતું કે હું મહેમાન રૂપે આવ્યો હતો;
કરણભાઈના સંપૂર્ણ પરિવારે મને પોતાના પરિવારનો સભ્ય ગણીને બધાજ લાભ આપ્યા હતા ! અમે બધા કલકત્તા વાસીઓને એવુજ લાગ્યું હતું કે અમે સહુ દોશી પરિવારના અભિન્ન અંગ હતા - જેના માટે હું તેમનો સદૈવ આભારી અને ઋણી રહીશ. આ મહોત્સવ મારા જીવનનું સંભારણું બની ગયું છે જેને આ લેખ દ્વારા સદૈવ માટે અંકિત કરી દેવા માંગુ છું. હું ક્યારેય પણ આ ક્ષણો ભૂલી જાઉં તો આ વાંચીને એક એક ક્ષણોને યાદ કરી મારા જીવનને ધન્ય બનાવીશ !
 |
મને યાદ આવશે તારો સથવારો... |
ANUMODANA
ReplyDeleteANUMODANA
ReplyDelete