શ્રી જીવિત સ્વામી પ્રભુ પ્રતિમા નિર્માણ કથા

ઈસા પૂર્વ ૫૫૫ વર્ષ (555 B.C.)
ચરમ તીર્થાધિપતિ શ્રમણ ભગવાન પ્રભુ શ્રી મહાવીર (દેવાર્ય) ૨ વર્ષ પૂર્વે ઋજુવાલુકાના કિનારે જૃમ્ભકગ્રામની ભૂમિમાં સર્વજ્ઞ - સર્વદર્શી બન્યા હતા. ત્યાંથી વિહાર કરીને પાવા, રાજગૃહી આદિ નગરોમાં પોતાના શિષ્ય પરિવાર સાથે વિહાર કરતા પોતાની ચ્યવનભૂમિ - બ્રાહ્મણકુંડગ્રામ પધાર્યા. ત્યાં પ્રભુએ તેમના પૂર્વ માત-પિતા દેવાનંદા-ઋષભદત્તને પ્રતિબોધીને દીક્ષા આપી. ત્યાંથી વિહાર કરીને દેવાર્ય તેમની જન્મભૂમિ - ક્ષત્રિયકુંડ પધાર્યા; જે ભૂમિમાં દેવાર્ય જન્મ્યા, રમ્યા, નિશાળે ગયા, રાજ્યવસ્થા આદિમાં રહ્યા તે ક્ષત્રિયકુંડની ધન્ય ધરા પર તેમના સમવસરણ રચાયા. પ્રભુના ભ્રાતા અને ક્ષત્રિયકુંડના અધિપતિ, નંદિવર્ધન વિપુલ સમૃદ્ધિ અને ભક્તિ સાથે દેવાર્યને વંદન કરવા પધાર્યા. પ્રભુએ દેશનામાં વૈરાગ્યનો ધોધ વહાવ્યો; તેમની મધુરી વાણીથી ભૂમિના અણુ-પરમાણુ વધુ પવિત્ર બન્યા. લોકોમાં વૈરાગ્યની લહેર દોડી; પુત્રી પ્રિયદર્શના અને જમાઈ જમાલીએ અનેકો સાથે પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી.
![]() |
વ્યક્તિત્વ એક, નામ અનેક |
તે સમયે દેવાર્યના જન્મને ૪૪ વર્ષ વીત્યા હતા, છતાં તેઓ સર્વાંગસુંદર હતા; તેમની સેવામાં દેવો હાજરાહજૂર રહેતા; તેમને વંદન કરવા, એક ક્ષણ માટે પણ તેમનું રૂપ નિહાળવા લોકો પડાપડી કરતા. સાત હાથની સમચોરસ સંસ્થાન કાયા યુક્ત, તેઓ રૂપ, લાવણ્ય, કાંતિ, ઐશ્વર્ય અને લક્ષણોના સ્વામી હતા! તેમનું મુખ પદ્મકમળ જેવું સુંદર હતું; નીલોત્પલ (નીલકમળ) જેવા સુરભિમય નિઃશ્વાસથી તેઓ યુક્ત હતા. તેમના પ્રત્યેક અંગ દીપ્તિથી ઉદ્યોતિત હતા. દેવાર્યના જટાયુક્ત કેશનો ઉષ્ણીષ પર્વતના શિખર સમાન દેખાતો હતો; તેમના મુલાયમ કેશ, ગાઢ, ચમકીલા, કાળા અને વાંકડિયા (ઘુંઘરાળા) હતા. તેમનું લલાટ, અર્ધ ચંદ્ર સમાન ભવ્ય દેખાતું હતું. તેમના કાળા અને સ્નિગ્ધ ભ્રમર, ધનુષ આકારના હતા; અર્ધ વિકસિત પુંડરિક (શ્વેત) કમળની નાજુક પાંદડી સમાન ધ્યાનમગ્ન નેત્રો કર્ણ સુધી દીર્ઘ હતા અને કાજલ જેવી શ્યામ પાંપણોથી યુક્ત હતા. પ્રહરોના-પ્રહરો પર્યંત તિર્યક્ ભિત્તિમાં પોતાના નેત્રોને એકાગ્ર કરીને પોતાની અંતરાત્માના ધ્યાનમાં લિન, દ્રઢ, નિષ્પ્રકંપ અને પ્રબળ રહેતા. રાજ્યવસ્થામાં ભારોભાર કુંડળથી શુશોભિત રહેવાથી તેમના વિસ્તારેલા કર્ણયુગલ મુખરૂપી સિંધુના કિનારા ઉપર પડેલી મોતીની છીપ સમાન લાગતા હતા. તેમની નાસિકા ગરુડની ચાંચની જેમ લાંબી, સીધી અને ઉન્નત હતી; હોંઠ તો બિંબફળ જેવા લાલ હતા.
તેમનો કંઠ-ભાગ ચાર અંગુલ પ્રમાણ હતો તથા ઉત્તમ શંખ સમાન ત્રણ રેખાઓથી યુક્ત હતો. તેમના સુપુષ્ટ ખભા સિંહ અને હાથી જેવા પરિપૂર્ણ અને વિસ્તીર્ણ હતા; હાથના તળિયા નવીન આમ્રપલ્લવ (નવા આંબાના પાંદડા) જેવા લાલ હતા; તેમાં શુભ ચિહ્નો-લક્ષણો અંકિત થયેલા હતા. કરતલ સાથે જોડાયેલા અંગુઠા તથા આંગળીઓ રક્તવર્ણની સરલ અને પ્રાંતભાગે માણેકના પુષ્પ જેવી તથા કલ્પવૃક્ષના અંકુશ જેવી લાગતી હતી. આંગળીઓના પ્રાંત ભાગે દક્ષિણાવર્તના ચિહ્નો સર્વ સંપત્તિને કહેનારા દક્ષિણાવર્ત શંખની શોભાને ધારણ કરતા હતા. દેવાર્યનું વક્ષઃસ્થળ સુવર્ણની શીલા જેવું વિશાળ અને ઉન્નત હતું. તેમનો નાભિ પ્રદેશ નદીમાં ઉત્પન્ન થતી ભમરી જેવો ગંભીર હતો અને પુરુષચિહ્ન કુળવાન અશ્વની જેમ અત્યંત ગુપ્ત હતું. તેમના જાનુ, માંસલ, સ્નિગ્ધ અને ગોળાકાર હતા જે કેળના સ્થંભ જેવા લાગતા હતા અને ચરણ સુપ્રતિષ્ઠિત સુંદર રચનાયુક્ત મનોજ્ઞ પ્રતીત થતા હતા. ચરણની આંગળીઓ ક્રમશ: આનૂપૂર્વીયુક્ત એક બીજા સાથે જોડાયેલી હતી અને તેમના લક્ષણયુક્ત પગલાં, લાલ કમળના પત્તા સમાન સુકુમાર અને કોમળ હતા. તેમનું શરીર સ્વર્ણના સમાન કાન્તિમાન, નિર્મળ, રોગ રહિત- દોષ રહિત ઉત્તમ પુરુષના ૧૦૦૮ લક્ષણ યુક્ત હતું.
દેવાર્યની આવી ભવ્યતા અને તેજસ્વી ધ્યાનમગ્ન સ્વરૂપ જોઈને નંદિવર્ધન હરખાતા, મલકાતાં; કલાકો સુધી દેવાર્યને નિહાળતા - તેમના નયનાભિરામ દિવ્ય રૂપનું અમૃતપાન કરતા. પણ તેમના મનમાં એક વ્યથા સતત રહેતી - જયારે દેવાર્યનો ક્ષત્રિયકુંડથી વિહાર થશે પછી એમના આ દિવ્ય રૂપનું દર્શન કઈ રીતે થશે? આ વ્યથાનું નિરાકરણ કરવા શ્રી નંદિવર્ધન રાજાએ ઉત્તમ શિલ્પીને બોલાવી દેવાર્યના પ્રતિબિંબ રૂપ પ્રતિમાના નિર્માણનું નિશ્ચય કર્યું - બહુમૂલ્ય એવા કસોટીના પાષાણમાં દેવતાથી અધિષ્ઠિત બની જતાં એ અજ્ઞાત શિલ્પીના હાથે પ્રભુના પ્રતિબિંબનું નિર્માણ પ્રારંભ થયું. જોત-જોતામાં ૪૯ ઇંચના પરિકરમાં ૨૪ ઇંચના દેવાર્યનું ૧૦૮ લક્ષણ યુક્ત આબેહૂબ પ્રતિબિંબ ૩૦૦ કિલોના કસોટી પથ્થરમાં નિર્માણ પામ્યું.
પરિકરમાં દેવાર્યના સંપૂર્ણ પરિવારને અંકિત કરવામાં આવ્યા - ડાબી તરફમાં હાથી પર પિતા શ્રી સિદ્ધાર્થ રાજા અને ભ્રાતા નંદિવર્ધન; જમણી બાજુએ શયન કરતા માતા ત્રિશલા અને તેની સેવામાં બેન સુદર્શના; પ્રભુના કમલાસન નીચે પબાસણમાં જમણી-ડાબી બાજુએ રાણી યશોદા અને કુમારી પ્રિયદર્શના. દેવાર્યની પ્રતિમાનું નિર્માણ થતા નંદિવર્ધન આનંદમાં ઘેલા બન્યા. પ્રીતિના પાષાણમાં ભક્તિના ટાંકણે નિર્મિત થતી આ પ્રતિમા સ્વયં દેવાર્યની અમીદ્રષ્ટિથી વધુ પાવન બની અને પ્રભુના વિહાર બાદ આ પ્રતિબિંબ સ્વરૂપ પ્રતિમાની પૂજા, નંદિવર્ધન જાવત્-જીવ કરી![1]
![]() |
પરિકરમાં પ્રભુનો પરિવાર |
------
[1] કેવળજ્ઞાન પછી પ્રભુની બ્રાહ્મણકુંડ-ક્ષત્રિયકુંડમાં પધરામણી, દેવાનંદા-ઋષભદત્ત, પ્રિયદર્શના-જમાલી આદિની દીક્ષાના ઉલ્લેખ શ્રી ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર ગ્રંથમાં પ્રાપ્ત થાય છે; પ્રભુની ધ્યાન સાધનાનું વિવરણ શ્રી આચારાંગ સૂત્ર તથા પ્રભુના રૂપનું વર્ણન શ્રી ઔપપાતિક સૂત્ર નામના પવિત્ર આગમ ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. શ્રી નંદિવર્ધન રાજા દ્વારા શ્રી જીવિત સ્વામી પ્રભુની પ્રતિમા નિર્માણની કથા લોકોકિત પ્રમાણે ગુરુમુખે જાણેલી છે પરંતુ શિલાલેખના અભાવે ઇતિહાસના વિશેષજ્ઞો, શ્રી અજય કુમાર સિંહા, ર્ડા. સાગરમલ જૈન આદિ સંશોધકો આ પ્રતિમાજીનું મુર્તિમંડન તેની કલાકૃતિ, લક્ષણ, તથા સમાન કલાકૃતિ વાળા બૌદ્ધ તથા જૈન શિલ્પોના આધારે આ પ્રતિમાજીને ‘પાલ’ કાલીન (લગભગ ૧,૦૦૦ વર્ષ પ્રાચીન) બતાવી છે;
Hello Arpit bhai, this jivitswami pratimaji belongs to which deraser now?
ReplyDeleteOn Janma Kalyanak Jinalay, Kshatriyakund Hill,, Lacchuar Bihar (near Jamui)
Delete