પ્રતિબિંબની પ્રતિકૃતિ
પરમ ઉપકારી, અનંત કરુણાના સાગર,
પરમકૃપાના ભંડાર, જગદ્ઉદ્ધારક,
ચરમ તીર્થાધિપતિ શ્રી નિર્ગ્રંથ જ્ઞાતપુત્ર
શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના
ચરણકમલમાં કોટી-કોટી વાર મસ્તક મૂકી, નમસ્કાર કરી
શ્રી જીવીત સ્વામી પ્રભુ પ્રતિબિંબ નિર્માણ પ્રબંધને કહીશ.
શ્રી જીવિત સ્વામી પ્રભુના મૂળ સ્વરૂપના દર્શન કરાવતી
આ પ્રતિકૃતિ રૂપ પાવન પ્રતિમા,
સેંકડો ભાવિકોને શ્રમણ ભગવાન પ્રભુના
ધ્યાનમગ્ન સ્વરૂપના સાક્ષાત દર્શન આપનારી રહેવાની છે.
ભવિષ્યમાં અનેક ભાવિકોને જીવિત સ્વામી પ્રભુની
આ દિવ્ય પ્રતિકૃતિ રૂપ પ્રતિમાનો પાવન પરિચય મળતો રહે
અને પ્રભાવ વિસ્તરતો રહે તે હેતુથી આ પ્રબંધ લખવાનો પ્રયાસ કર્યો છે.
તેણં કાલેણં, તેણં સમએણં
ઈસા પૂર્વ ૫૫૫ વર્ષ (555 B.C.)- દેવાર્ય ૨ વર્ષ પૂર્વે ઋજુવાલુકાના કિનારે જૃમ્ભકગ્રામની ભૂમિમાં સર્વજ્ઞ - સર્વદર્શી બન્યા હતા. ત્યાંથી વિહાર કરીને પાવા, રાજગૃહી આદિ નગરોમાં પોતાના શિષ્ય પરિવાર સાથે વિહાર કરતા પોતાની ચ્યવનભૂમિ - બ્રાહ્મણકુંડગ્રામ પધાર્યા. ત્યાં પ્રભુએ તેમના પૂર્વ માત-પિતા દેવાનંદા-ઋષભદત્તને પ્રતિબોધીને દીક્ષા આપી. ત્યાંથી વિહાર કરીને દેવાર્ય તેમની જન્મભૂમિ - ક્ષત્રિયકુંડ પધાર્યા; જે ભૂમિમાં દેવાર્ય જન્મ્યા, રમ્યા, નિશાળે ગયા, રાજ્યવસ્થા આદિમાં રહ્યા તે ક્ષત્રિયકુંડની ધન્ય ધરા પર તેમના સમવસરણ રચાયા. પ્રભુના ભ્રાતા અને ક્ષત્રિયકુંડના અધિપતિ, નંદિવર્ધન વિપુલ સમૃદ્ધિ અને ભક્તિ સાથે દેવાર્યને વંદન કરવા પધાર્યા. પ્રભુએ દેશનામાં વૈરાગ્યનો ધોધ વહાવ્યો; તેમની મધુરી વાણીથી ભૂમિના અણુ-પરમાણુ વધુ પવિત્ર બન્યા. લોકોમાં વૈરાગ્યની લહેર દોડી; પુત્રી પ્રિયદર્શના અને જમાઈ જમાલીએ અનેકો સાથે પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી.
તે સમયે દેવાર્યના જન્મને ૪૪ વર્ષ વીત્યા હતા, છતાં તેઓ સર્વાંગસુંદર હતા; તેમની સેવામાં દેવો હાજરાહજૂર રહેતા; તેમને વંદન કરવા, એક ક્ષણ માટે પણ તેમનું રૂપ નિહાળવા લોકો પડાપડી કરતા. સાત હાથની સમચોરસ સંસ્થાન કાયા યુક્ત, તેઓ રૂપ, લાવણ્ય, કાંતિ, ઐશ્વર્ય અને લક્ષણોના સ્વામી હતા! તેમનું મુખ પદ્મકમળ જેવું સુંદર હતું; નીલોત્પલ (નીલકમળ) જેવા સુરભિમય નિઃશ્વાસથી તેઓ યુક્ત હતા. તેમના પ્રત્યેક અંગ દીપ્તિથી ઉદ્યોતિત હતા. દેવાર્યના જટાયુક્ત કેશનો ઉષ્ણીષ પર્વતના શિખર સમાન દેખાતો હતો; તેમના મુલાયમ કેશ, ગાઢ, ચમકીલા, કાળા અને વાંકડિયા (ઘુંઘરાળા) હતા. તેમનું લલાટ, અર્ધ ચંદ્ર સમાન ભવ્ય દેખાતું હતું. તેમના કાળા અને સ્નિગ્ધ ભ્રમર, ધનુષ આકારના હતા; અર્ધ વિકસિત પુંડરિક (શ્વેત) કમળની નાજુક પાંદડી સમાન ધ્યાનમગ્ન નેત્રો કર્ણ સુધી દીર્ઘ હતા અને કાજલ જેવી શ્યામ પાંપણોથી યુક્ત હતા. પ્રહરોના-પ્રહરો પર્યંત તિર્યક્ ભિત્તિમાં પોતાના નેત્રોને એકાગ્ર કરીને પોતાની અંતરાત્માના ધ્યાનમાં લિન, દ્રઢ, નિષ્પ્રકંપ અને પ્રબળ રહેતા. રાજ્યવસ્થામાં ભારોભાર કુંડળથી શુશોભિત રહેવાથી તેમના વિસ્તારેલા કર્ણયુગલ મુખરૂપી સિંધુના કિનારા ઉપર પડેલી મોતીની છીપ સમાન લાગતા હતા. તેમની નાસિકા ગરુડની ચાંચની જેમ લાંબી, સીધી અને ઉન્નત હતી; હોંઠ તો બિંબફળ જેવા લાલ હતા.
તેમનો કંઠ-ભાગ ચાર અંગુલ પ્રમાણ હતો તથા ઉત્તમ શંખ સમાન ત્રણ રેખાઓથી યુક્ત હતો. તેમના સુપુષ્ટ ખભા સિંહ અને હાથી જેવા પરિપૂર્ણ અને વિસ્તીર્ણ હતા; હાથના તળિયા નવીન આમ્રપલ્લવ (નવા આંબાના પાંદડા) જેવા લાલ હતા; તેમાં શુભ ચિહ્નો-લક્ષણો અંકિત થયેલા હતા. કરતલ સાથે જોડાયેલા અંગુઠા તથા આંગળીઓ રક્તવર્ણની સરલ અને પ્રાંતભાગે માણેકના પુષ્પ જેવી તથા કલ્પવૃક્ષના અંકુશ જેવી લાગતી હતી. આંગળીઓના પ્રાંત ભાગે દક્ષિણાવર્તના ચિહ્નો સર્વ સંપત્તિને કહેનારા દક્ષિણાવર્ત શંખની શોભાને ધારણ કરતા હતા. દેવાર્યનું વક્ષઃસ્થળ સુવર્ણની શીલા જેવું વિશાળ અને ઉન્નત હતું. તેમનો નાભિ પ્રદેશ નદીમાં ઉત્પન્ન થતી ભમરી જેવો ગંભીર હતો અને પુરુષચિહ્ન કુળવાન અશ્વની જેમ અત્યંત ગુપ્ત હતું. તેમના જાનુ, માંસલ, સ્નિગ્ધ અને ગોળાકાર હતા જે કેળના સ્થંભ જેવા લાગતા હતા અને ચરણ સુપ્રતિષ્ઠિત સુંદર રચનાયુક્ત મનોજ્ઞ પ્રતીત થતા હતા. ચરણની આંગળીઓ ક્રમશ: આનૂપૂર્વીયુક્ત એક બીજા સાથે જોડાયેલી હતી અને તેમના લક્ષણયુક્ત પગલાં, લાલ કમળના પત્તા સમાન સુકુમાર અને કોમળ હતા. તેમનું શરીર સ્વર્ણના સમાન કાન્તિમાન, નિર્મળ, રોગ રહિત- દોષ રહિત ઉત્તમ પુરુષના ૧૦૦૮ લક્ષણ યુક્ત હતું.
દેવાર્યની આવી ભવ્યતા અને તેજસ્વી ધ્યાનમગ્ન સ્વરૂપ જોઈને નંદિવર્ધન હરખાતા, મલકાતાં; કલાકો સુધી દેવાર્યને નિહાળતા - તેમના નયનાભિરામ દિવ્ય રૂપનું અમૃતપાન કરતા. પણ તેમના મનમાં એક વ્યથા સતત રહેતી - જયારે દેવાર્યનો ક્ષત્રિયકુંડથી વિહાર થશે પછી એમના આ દિવ્ય રૂપનું દર્શન કઈ રીતે થશે? આ વ્યથાનું નિરાકરણ કરવા શ્રી નંદિવર્ધન રાજાએ ઉત્તમ શિલ્પીને બોલાવી દેવાર્યના પ્રતિબિંબ રૂપ પ્રતિમાના નિર્માણનું નિશ્ચય કર્યું - બહુમૂલ્ય એવા કસોટીના પાષાણમાં દેવતાથી અધિષ્ઠિત બની જતાં એ અજ્ઞાત શિલ્પીના હાથે પ્રભુના પ્રતિબિંબનું નિર્માણ પ્રારંભ થયું. જોત-જોતામાં ૪૯ ઇંચના પરિકરમાં ૨૪ ઇંચના દેવાર્યનું ૧૦૮ લક્ષણ યુક્ત આબેહૂબ પ્રતિબિંબ ૩૦૦ કિલોના કસોટી પથ્થરમાં નિર્માણ પામ્યું.
પરિકરમાં દેવાર્યના સંપૂર્ણ પરિવારને અંકિત કરવામાં આવ્યા - ડાબી તરફમાં હાથી પર પિતા શ્રી સિદ્ધાર્થ રાજા અને ભ્રાતા નંદિવર્ધન; જમણી બાજુએ શયન કરતા માતા ત્રિશલા અને તેની સેવામાં બેન સુદર્શના; પ્રભુના કમલાસન નીચે પબાસણમાં જમણી-ડાબી બાજુએ રાણી યશોદા અને કુમારી પ્રિયદર્શના. દેવાર્યની પ્રતિમાનું નિર્માણ થતા નંદિવર્ધન આનંદમાં ઘેલા બન્યા. પ્રીતિના પાષાણમાં ભક્તિના ટાંકણે નિર્મિત થતી આ પ્રતિમા સ્વયં દેવાર્યની અમીદ્રષ્ટિથી વધુ પાવન બની અને પ્રભુના વિહાર બાદ આ પ્રતિબિંબ સ્વરૂપ પ્રતિમાની પૂજા, નંદિવર્ધન જાવત્-જીવ કરી![1]
ઐસી લાગી લગન
માનવ અને પ્રભુ વચ્ચેનો અતૂટ સ્નેહ, તેનું નામ ભક્તિ. અને જીવિતસ્વામી પ્રભુની ભક્તિની પરાકાષ્ટાએ પહોંચેલા મહાપુરુષ એટલે શ્રી કન્હૈયાલાલ વૈદ. મૂળ બીકાનેરના વતની અને કલકત્તાના રહેવાસી સુશ્રાવક શેઠ શ્રી કન્હૈયાલાલ વૈદ, બાલ-બ્રહ્મચારી હતા. એકદમ સાદું, સરળ અને આડંબર રહિત વ્યક્તિત્વ; જીવનમાં એક ફોટો પણ પડાવ્યો નહિ. વર્ષના ૬ મહિના ક્ષત્રિયકુંડ, કાકંદી અને કૌશંબીની તીર્થરક્ષા કાજે વ્યતીત કરવાનો નિયમ. પોતાનું જીવન આ ત્રણેય કલ્યાણક ભૂમિ માટે ન્યોછાવર કરી દીધું અને સમસ્ત સંપત્તિ આ ભૂમિઓના જીર્ણોદ્ધારમાં લગાવી દીધી.
તેઓ જીવિત સ્વામી પ્રભુના સામાન્ય ભક્ત નહીં, પણ દીવાના હતા. જીવિત સ્વામી પ્રભુની છત્ર-છાયા અને ભક્તિમાં તેઓ કલાકો-દિવસો-મહિનાઓ વ્યતીત કરતા. તેમણે જીવિત સ્વામી પ્રભુની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવાની ખુબ ભાવના હતી. તે માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા. શેઠ, કલાના જાણકાર, શોખીન અને કલાકારના કદરદાન હતા. ઓરિસ્સા, બંગાળના અચ્છા અચ્છા કારીગરોને બોલાવી બોલાવીને જીવિત સ્વામી પ્રભુના મોડલ તૈયાર કરાવ્યાં હતાં. પાંચ-પંદર મોડલ બનાવીને તૈયાર કરવા છતાં શેઠને સંતોષ થતો ન હતો. તેમણે ડીટ્ટો ક્ષત્રિયકુંડ જેવી પ્રતિમા ભરાવવી હતી, પણ મેળ પડતો ન હતો. ખજૂરાહો, કોનાર્ક અને સાઉથમાં બધે ફર્યા. એક-એક શિલ્પ નકશીને બારીકાઇથી જોતા અને શિલ્પીઓને કહેતા – “અપની મૂર્તિ મેં અપન કો ઐસા કામ કરાનેકા હૈ”. ખૂબ ફર્યા, ખૂબ રખડ્યા, ખૂબ શિલ્પો જોયા પણ કાંઈ ઠેકાણું ન પડ્યું. કોઈકે કહ્યું કે, જયપુરમાં મૂર્તિના સારા કારીગરો છે. તેઓ જયપુર જઈ આવ્યા, નામાંકિત કલાકારોને ક્ષત્રિયકુંડ લઇ આવ્યા. એમના મનમાં બહુ રાઈ ભરેલી હતી કે, ગમે તેવી પ્રતિમા હોય અમે ઘડી આપશું. શેઠે જયપુરના કારીગરોને પૂજાનાં કપડાં પહેરાવ્યાં અને મંદિરમાં લઇ ગયા. ભગવાનના દર્શન કરાવ્યા અને કહ્યું કે, "હમકો ઠીક ઐસી હી દૂસરી પ્રતિમા બનાની હૈ." કલાકારો કલાકો સુધી મૂર્તિનું નિરીક્ષણ કરીને બહાર આવ્યા. પેઢીમાં શેઠ પાસે ગયા અને હથિયાર હેઠાં મૂકી દેતાં બોલ્યા, “શેઠજી! હમસે યહ કામ નહી હો પાયેગા! ઐસી મૂર્તિ બનાના કોઈ આસાન કામ નહીં હૈ. હમ યહ કામ નહી કર સકેંગે ક્યોંકી યહ મૂર્તિ આદમી સે નહીં દેવ સે બની હુઈ હૈ. આદમી ક્યા ખાક્ કામ કરેગા? આપ ભી અબ યહ લગન છોડ દીજીયે કુછ નહિ હો પાયેગા.” શેઠજીએ કહ્યું કે, “અરે ભૈયા! ઐસી બાત મત કરો! હમકો કોઈભી હાલત મેં ઐસી મૂર્તિ બનાની હૈ. આપ હી હમે રાસ્તા દિખાઓ”. “શેઠજી! એક રાસ્તા હૈ, ઐસા હો સકતા હૈ કી યહી મૂર્તિ કે ઉપર મોંમ લગાકે ડાઇ નિકાલો, ઉસ ડાઇસે મોડલ બનવાઓ ઓર ઉસી ડાઈમેં પંચધાતુકા રસ ડાલ કર પંચધાતુકી મૂર્તિ બનાઓ તો ઠીક વૈસાહી રૂપ આ સકતા હૈ, ઓર ઉસકે અલાવા ઔર કોઈ રાસ્તા નહીં હૈ”.
કન્હૈયાલાલ શેઠ, જીવિત સ્વામી પ્રભુની મૂર્તિ પાછળ પાગલ થઇ ગયેલા એટલે એમને ફોરેનથી પ્યોર મીણ મંગાવ્યું; ડાઇ બનાવી, મોડલ બનાવ્યું. પછી પંચધાતુમાં ઢાલન કરવાનું હતું એટલે કુશળ કારીગરોની શોધમાં શેઠ નેપાલ ગયા; ત્યાં બુદ્ધ મૂર્તિઓની ઢલાઈ કરનારા કારીગરોને મળ્યા, આખો કન્સેપ્ટ સમજાવ્યો અને રૂપિયા બાણુ હજારમાં આખી મૂર્તિ ઢાળવાનો ઓર્ડર બુક કરાવી એડવાન્સ આપીને શેઠ પાછા કલકત્તા આવ્યા. ડમડમ એરોડ્રમથી ઉતરીને ઘેર આવ્યા અને અડધો કલાકમાં શેઠને એટેક આવ્યો અને શેઠ નાની ઉંમરમાંજ ગુજરી ગયા. તેમની ઈચ્છા મનમાં જ રહી ગઈ અને જીવિત સ્વામી પ્રભુના આબેહૂબ મોડલ આજે ધૂળ ખાતાં ક્યાંય પડી રહ્યાં છે[2].
પ્રથમ નઝરે પ્રેમ
ઈસ્વી સન. ૨૦૦૩. પપ્પા શાહપુરમાં પરમ પૂજ્ય આચાર્ય વિજય શ્રી હેમરત્નસૂરિશ્વરજી મહારાજની નિશ્રામાં યોજાયેલ શિબિરથી પાછા આવ્યા ત્યારે એક અદ્ભૂત ગ્રંથરૂપ પુસ્તક લઇ આવ્યા; નામ હતું “શ્રી આદિજિનબિંબ નિર્માણ પ્રબંધ”. શ્રી માનસમંદિરમ તીર્થ, શાહપુરના નયનરમ્ય મૂળનાયક શ્રી આદિનાથ પ્રભુની પ્રતિમાના નિર્માણની કથા જીવિત સ્વામી પ્રભુની પ્રતિમાના દર્શનથી શરૂ થઇ. પૂર્વ ભારતમાં રહેવા છતાં મારા જીવનના ૧૪ વર્ષમાં મેં ક્યારેય ક્ષત્રિયકુંડના જીવિત સ્વામી પ્રભુના દર્શન કર્યા ન હતા; પૂજ્ય આચાર્યશ્રીના શબ્દોની આંગળી પકડીને મેં ક્ષત્રિયકુંડની પ્રથમ વાર ભાવયાત્રા કરી. વિ.સં. ૨૦૪૦ માં (ઈ.સં. ~૧૯૮૪) આચાર્યશ્રીએ કરેલ શ્રી જીવિત સ્વામી પ્રભુના દર્શનના પ્રકરણો વાંચીને હૈયું overflow થઈ ગયું. પ્રકરણના એક-એક શબ્દ, આચાર્યશ્રીના ભાવોની પરાકાષ્ટાને દર્શાવતા હતા.
દરેક શબ્દે મારું જીવિત સ્વામી પ્રભુ પ્રત્યે આકર્ષણ વધતું ગયું. અમુક પાનાં હજુ ફેરવ્યા ત્યાં તો જીવિત પ્રભુનો ફુલ પેજ ફોટો આવ્યો; સત્ય કહું તો ફોટો જોઈને આંખો ભરાઈ ગઈ! હૃદય ગદ્-ગદ્ થયું! શરીરના એક-એક રૂવાંટા ઉભા થઇ ગયા! આવી અદ્ભૂત પ્રતિમા ક્યારેય નિહાળી ન હતી! બધીજ પ્રતિમાથી આ પ્રભુ અલગ લાગ્યા - વિશિષ્ટ લાગ્યા! પ્રભુના ધ્યાનમગ્ન-જીવંત નેત્રો જોઈને હું ઘેલો બની ગયો - જાણે પ્રેમનું અમૃતપાન કરાવતી હતી તે આંખ. તે ક્ષણે મારું સંપૂર્ણ અસ્તિત્વ જીવિત પ્રભુમાં ઓગળી ગયું હતું. તે દિવસે મને જીવિત પ્રભુ સાથે Love at first sight થઇ ગયો. જો ફોટા જોઈને આવી દિવ્ય અનુભૂતિ થાય તો પ્રત્યક્ષ દર્શન - સ્પર્શ કરીને શું લ્હાવો મળશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ હતી! તે રાતે મને ઊંઘ ના આવી; મને આભાસ થયો કે હું કેવો અભાગી હતો! પૂર્વ ભારતમાં રહેવા છતાં - ક્ષત્રિયકુંડથી એકદમ નજીક હોવા છતાં હું જીવિત સ્વામી દાદાના દર્શનથી વંછિત રહ્યો હતો! મનમાં સંકલ્પ ધાર્યા અને વહેલી તકે પ્રભુના દર્શન મળે તે માટે શાસન દેવને પ્રાર્થના કરી.
જોત-જોતામાં દિવસો-મહિનાઓ -વર્ષો વીતતા ગયા પણ દાદાએ બોલાવ્યો નહીં. તેમને ભેટવાની તાલાવેલી વધતી રહેતી. પ્રભુને જાણ્યાને ૫-૫ વર્ષો વીત્યા પણ માણવાનો લ્હાવો મળ્યો નહિ. છેવટે શાસન દેવે કૃપા કરી; ઈ.સં. ૨૦૦૮માં પ્રથમ વાર ક્ષત્રિયકુંડના જીવિત દાદા સાથે મિલન થયું. ક્ષત્રિયકુંડના નૈસર્ગિક વાતાવરણમાં પહાડ ચઢવાનો આનંદ કંઈ અનેરો હતો - નદી, નાળા, વનરાજી પાર કરીને જયારે દાદાના દર્શન થયા ત્યારે વર્ષોની તૃષા શાંત થઇ હતી. ૨,૧૩૧ દિવસોથી સેવેલી મનોકામના તે દિવસે પરિપૂર્ણ થઇ હતી. જે નાથને નિહાળવા કાજે દિવસ રાત સપના સેવ્યાં હતા, તે દાદાએ દિવ્ય દર્શન આપ્યા હતા - જાણે દેવાર્યએ સાક્ષાત સામે બિરાજમાન હતા તેવો આભાસ થયો.
જીવિત દાદાનું રૂપ જોઈને તો હું ઘેલો બની ગયો હતો. તેમના શાંતભાવને દર્શાવનારું પીપળના પાનના આકારનું મુખ, ધનુષ્ય આકૃતિ સમાન ભ્રમરો, ઉન્નત મસ્તક શીખા, અંધકારને ચીરતું ભાલતિલક, પોપટની ચાંચ સમી નાસિકા, મોતીની છીપ સમા કુંડળ, કમળની નાજુક પાંખળી જેવા હોઠ, શંખના અગ્રભાગ સમો કંઠ, કેળના ઉપલા થડ જેવા હાથ, ઋષભસ્કંધ સમા ખભા, સાગર સમો ગંભીર ઉદર ભાગ અને ચરણો અને હાથોમાં ઉત્તમ લક્ષણોના ચિત્રણ! શું રૂપ! શું તેજ! શું દેદાર હતો દાદાનો! તેમના એક-એક સોહામણાં અંગો જોઈને મારુ મન નૃત્ય કરતું હતું!
પરમ પૂજ્ય આચાર્ય વિજય શ્રી હેમરત્નસૂરિશ્વરજી મહારાજના શબ્દોમાં કહું તો ~ “સાડાત્રણ ક્રોડ રોમમાં આનંદ સમાતો ન હતો. જબાન અને હોઠ રુકવા તૈયાર ન હતા. અહો! અહો! દીનદયાળ! કૃપાભંડાર! નિરંજન નાથ! અનાથોના નાથ! ગરીબ નવાજ! અશરણ શરણ! તાર તાર તાર દાદા, તાર તાર તાર. નયનો નિમેષ લેવા તૈયાર ન હતા. શબ્દો ખૂટતા ન હતા. જીવનની પરમાનન્દની ઘડીઓ પસાર થઇ રહી હતી. સર્વ આત્મ પ્રદેશોમાંથી, અંતરના ઉંડાણથી પરમાત્માની ભક્તિનો સંજોગ રચાયો હતો. વ્હાલના દર્શનનો-મિલનનો હર્ષ શબ્દોમાં વર્ણવી શકાય તેમ ન હતો. અદ્ભુત રૂપ-દિદારના દર્શન થતાં મનમાં થયું હતું કે, જો મારું ચાલે તો આખી દુનિયાને અહીં તેડી લાવું. ક્ષત્રિયકુંડના ગિરિશિખર પર ઊભો રહીને સહુને બૂમ-પાડીને કહું કે, દુનિયામાં જે જોવા લાયક છે, તે અહીં છે. તમે રૂપ- દર્શન માટે ફાંફા મારવાનું માંડી વાળો અને અહીં આવીને પ્રભુના રૂપસાગરમાં સમાઈ જાવ!”
પરિકરમાં દેવાર્યના બન્ને બાજુ ચામરધારી દેવોનો ચેહરો ઘણો આનંદમય દેખાયો; દેવાર્યની સેવા કરવાનો અભૂતપૂર્વ આનંદ તેમના મુખ પર દેખાતો લાગ્યો. પ્રભુજીની ઉન્નત મસ્તક શિખા ઉપર ભવ્ય ત્રણ છત્ર, આજુ-બાજુ પુષ્પમાળા લઈને આવતા દેવો, તેમના નીચે ડાબી તરફમાં હાથી પર ઉત્કૃષ્ટ દ્રવ્યો સાથે આવતા શ્રી સિદ્ધાર્થ રાજા તથા નંદિવર્ધન, પરિકરની જમણી તરફમાં શયન કરતા ત્રિશલા માતા અને બેન સુદર્શનાના દર્શન થયા. પ્રભુના કમલાસન નીચે પબાસણમાં જમણી-ડાબી બાજુએ રાણી યશોદા અને કુમારી પ્રિયદર્શનાને જોયા. પબાસણની વચ્ચે નૃત્યમુદ્રામાં અંતર્લીન તલવારધારી દેવીનું ચિત્રણ હતું જેમના પગતળે હાથીના મુખવાળો કોઈ પરાજિત દુરાત્મા હતા. દેવીની ઠીક ઉપર એકદમ નાનકડા આકારમાં પ્રભુનું સુંદર લાંછન કોતરવામાં આવ્યું હતું અને દેવીની બંને બાજુ સિંહ શોભાયમાન હતા.
આ બધું વારંવાર નિહાળવા પ્રભુનો દિવ્ય સ્પર્શ કર્યો. એક વાર, બે વાર, ત્રણ વાર પ્રભુજીનો સ્પર્શ મળતો રહે તે આશયથી પૂજા કરી. શ્રી જીવિત સ્વામીનું આલંબન, જગતમાં સૌથી શ્રેષ્ઠ છે તેવી અનુભૂતિ દરેક સ્પર્શે થઈ. દાદાનું એવું ચુંબકીય આકર્ષણ હતું કે તેમને છોડીને જવાનું મન થતું જ ન હતું. બસ એક અફસોસ રહી ગયો; ઘણો ગુસ્સો પણ આવ્યો. પ્રથમવાર ફોટામાં જોયેલા જીવિત સ્વામી દાદાના નિર્વિકાર અને ધ્યાનમગ્ન નેત્રોના દર્શન થી હું વાંછિત રહી ગયો. સાધારણ ચક્ષુઓ દ્વારા દેવાર્યનું નિર્વિકાર તથા ધ્યાનમગ્ન સ્વરૂપ લોકોએ ઢાંકી દીધેલું હતું. શિલ્પ-શાસ્ત્રમાં વાંચ્યું હતું કે હૃદયના સર્વભાવો આંખો દ્વારા પ્રતીત થાય છે - દેવ અધિષ્ઠિત શિલ્પીએ પોતાના પ્રાણ, નેત્ર બનાવવામાં પુરી દીધા હતા, જેને સામાન્ય ચક્ષુઓ દ્વારા ઢાંકી દેવામાં આવ્યા હતા. કેવો દુસ્સાહસ કે લોકોએ પ્રભુનું મૂળ સ્વરૂપ ઢાંકવાનું આવું ઘોર અનર્થ કર્યું હતું!
તે મુલાકાત પછી તો જાણે દાદાએ મારી વાત સાંભળી લીધી -વારંવાર તેમની પાસે મને બોલાવતા. ૨૦૧૧ માં જીવિત સ્વામી દાદાના ૧૮ અભિષેક કરવા- કરાવવાનો અમૂલ્ય લાભ મળ્યો. ખરેખર શું આનંદ હતો - પર્વત ઉપર બસ અમે ૫-૬ જાત્રાળુ અને દાદા, બીજું કોઈ નહીં! તે દિવસે આભાસ થયો કે મારા જેવો બડભાગી આ જગતમાં બીજો કોઈ નહિ હોય! દેવોને કહેવાનું મન થયું કે દાદાનો જન્માભિષેક કરવાનો લાભ માત્ર તમને જ નથી મળ્યો... તે ક્ષણો માણવાનો આનંદ મેં પણ આજે લઇ લીધો છે! શું ધન્ય ઘડી હતી એ! શું એ અમૂલ્ય ક્ષણો હતી! ૨૦૧૮માં પ્રભુએ ફરી કૃપા કરી. તેમના ચ્યવન કલ્યાણકના શુભ દિને તેમની દિવ્ય પ્રતિમાજી પર શક્રેન્દ્ર દ્વારા અર્પિત શ્રી વર્ધમાન શક્રસ્તવના અભિષેક કરવા-કરાવવાનો લાભ આપ્યો. ૨૦૨૧માં પણ ફરી નવનિર્મિત જિનાલયના વર્ષગાંઠ પ્રસંગ નિમિત્તે શક્રસ્તવ અભિષેક કરાવવાનો લાભ મળ્યો. ખરેખર, ઘણી વાર લાગે છે કે દાદાએ મારા પર કેવી મહતી કૃપા કરી છે - તેમના કેટ કેટલા ઉપકાર છે મારા પર…!
પણ આ સમયગાળામાં જીવિત સ્વામી પ્રભુની પ્રતિમા સાથે એવું ઘણું બધું થયું જે યોગ્ય ન હતું. ઈ.સં. ૨૦૧૨થી લઈને ૨૦૨૧ સુધી અનેક વાર દાદાને ભેટવાના અવસર મળ્યા, અને દર મુલાકાતમાં એમના સ્વરૂપ સાથે છેડછાડ જોવા મળતી. કોક વાર ચક્ષુઓ બદલાય, તો કોક વાર બાજુના ચામરધારી દેવોને પણ ચક્ષુ ચોંટાડી દેવામાં આવે. કોક વાર ભ્રમરોને લાલ રંગ કરવામાં આવે તો કોક વાર હોઠ રંગાઈ જાય! લેપના નામે પરિકરમાં રહેલ કેટ-કેટલી ઝીણી કોતરણી ઢંકાતી રહેતી અને લેપના થર નીચે પ્રભુના કેશની જટાઓ પણ ઝાંખી પડવા લાગી. હાલમાં પ્રભુના ભ્રમરો અને હોઠના રંગને ફરી ઉતારવામાં આવ્યો અને અમુક દિવસ પહેલા ભેટો થયો તો જોવા મળ્યું કે પ્રભુનો જમણો ભ્રમર સ્પષ્ટ રૂપે ખંડિત થયો છે! જોઈને જીવ એવો દ્રવિત થયો કે તેની વેદના શબ્દોમાં ઉતારવી અશક્ય છે. જે પ્રતિમાજી સાક્ષાત પ્રભુ મહાવીરનું રૂપ બતાવતી હોય, જે પ્રતિમાનું નિર્માણ સ્વયં પ્રભુના ભ્રાતા દ્વારા થયું હોય, તેની સાથે કોઈ આવું કઈ રીતે કરી શકે? કેવું દુષ્કૃત્ય! કેવો દુસ્સાહસ! ઈસ્વી સન.૨૦૧૫માં જીવિત સ્વામી પ્રભુની પ્રતિમા ચોરી થયા અને પાછા મળ્યા પછીના સમયમાં પણ પ્રતિમાજી પર કોઈ નુકસાન દેખાતું નથી. આ સંપૂર્ણ નુકસાન તેના પછીના સમયમાંજ જોવા મળ્યું છે.
પ્રતિબિંબ નિર્માણનો નિશ્ચય
૨૮ નવેમ્બર ૨૦૧૫. વહેલી સવારે ફોનની રિંગ સતત વાગી રહી હતી. ઊંઘમાં હોવાથી એક-બે વાર તો કોલ ઉપાડ્યો નહિ પણ જયારે રિંગ બંધ ન થઇ તો ના છૂટકે ફોન રિસીવ કર્યો. સામેથી હેમલભાઈના શબ્દો સાંભળીને મગજ સુન-મુન થઇ ગયું; "જીવિત સ્વામી પ્રભુની પ્રતિમા રાત્રે ચોરાઈ ગઈ છે! તારા પાસે પ્રતિમાના ફોટા હોય તો મોકલાવ, બધા પોલીસ સ્ટેશનમાં પહોંચાડવાના છે". શરીરથી એક ધ્રુજારી પસાર થઇ; મનમાં વિશ્વાસ ન બેઠો, ફરી પૂછ્યું, એજ જવાબ મળ્યો. હું સ્તબ્ધ બની ગયો.
વેદના, આક્રોશ, લાચારી, બેબસી... તે સમયે મારા મનની વ્યથાનું વર્ણન કરવા આ બધા શબ્દ અસમર્થ હતા. જાણે આખા જૈન સંઘને રાતોરાત અનાથ કરી દીધો હોય તેવો માહોલ બની ગયો હતો. એક-એક દિવસ પસાર થતા હતા - પોલીસ, પ્રશાસન, ગુરુભગવંતો ઘણા સક્રિય બન્યા હતા; છતાં પણ કોઈ હકારાત્મક સમાચાર આવતા નહિ. સંઘોમાં ઠેર-ઠેર આયંબિલ થયા, લોકોએ માળાઓ ફેરવી - માનતાઓ માની, છતાં પ્રભુનો કોઈ સંકેત મળતો નહિ. તે ક્ષણે એમ થયું, જો પ્રભુ સાચ્ચે હંમેશ માટે દૂર થઇ જશે તો મારું શું થશે? હું દાદાને ફરી નહિ મળી શકું! અગર પ્રભુ દૂર વયા જશે તો કઈ રીતે તેમના સાક્ષાત રૂપનું આલંબન મને મળશે?
હજુ દિવસો ગયા. પ્રશાસનથી પ્રતિમાના કોઈ સમાચાર મળતા નહિ. કોઈ કહેતું પ્રતિમાને બોર્ડર પાર નેપાલમાં લઇ જવામાં આવી ગઈ હશે તો કોઈ કહેતું કે દાદાને ક્ષત્રિયકુંડમાંજ ક્યાંય છુપાવીને રાખવામાં આવ્યા હશે. કોના પર વિશ્વાસ મુકવો? કોઈ કહેતું કે નક્સલવાદીઓ પ્રભુને લઇ ગયા હશે તો કોઈ કહેતું સ્મગ્લરો ચોરી ગયા હશે. કોઈ વહીવટદારોની બેદરકારીને દોષ આપતું, તો કોઈ આ સંપૂર્ણ ઘટનાને એક આંતરિક ષડયંત્રનું રૂપ આપતું. કશું સમજાતું ન હતું. આ વેદનાના પ્રવાહમાં મનમાં સંકલ્પ કર્યો. જીવિત દાદા હવે પાસે જુવે છે; સાક્ષાત જુવે છે. કોઈ મારા જીવિત દાદાને મુઝથી દૂર ન લઇ જાય શકે એવું કંઈ થાય તો? હવે એવું કઈં કરવું છે કે જીવિત સ્વામી દાદા સદૈવ પ્રત્યક્ષ રહે, હાજરાહજૂર રહે. જીવનમાં ક્યારેય પણ શાસનદેવ મને આ કાર્ય માટે સહાય કરશે તો કન્હૈયાલાલ શેઠ જેવી ભાવના રાખીશ - જીવિત દાદાની પ્રતિકૃતિ બનાવીશ. આ મનનો એક નિખાલસ નિશ્ચય હતો; કોઈ પ્રેકટીકેલીટી વિચાર્યા વિનાનો.
આ સંકલ્પના બીજા દિવસે સમસ્ત સંઘમાં ખુશીની લહેર દોડી - સમાચાર આવ્યા કે પ્રભુ પાછા મળી ગયા છે. ખોવાયેલી અવસ્થામાં પણ પ્રભુ પૂજિત રહ્યા - નવાંગે કેશર આદિના નિશાન એનું સૂચન કરતા હતા! પ્રભુના દીક્ષા કલ્યાણકના શુભ દિવસે, ૬ ડિસેમ્બરના રોજ પ્રભુ તળેટી નજીક લછવાડના જિનાલયમાં પધાર્યા. કેવો અદ્ભૂત સંયોગ હતો - દૈવી સંકેત અથવા માનવ સર્જન? કહેવું અઘરું લાગ્યું. છતાં પ્રભુ પાછા મળ્યા એ જાણીને રાહત મળી; જીવમાં જીવ ફરી આવ્યો. પ્રભુને મળવા, ભેટવા હવે પડાપડી થવા લાગી - જાણે લોકોને દાદાની મહિમાનો અનુભવ આ ઘટના બાદ થયો હોય.
પ્રભુ પાછા મળ્યા અને મારા મનનો સંકલ્પ ઢીલો પડ્યો. જયારે-જયારે ક્ષત્રિયકુંડ જવાનું થાય ત્યારે-ત્યારે દાદાને ભેટતા સંકલ્પ યાદ આવે. દાદાથી નજરો મિલાવવાની હિમ્મત ન થતી - એવું લાગતું કે હમણાં દાદા ઠપકો આપશે - હું મળી ગયો તો સંકલ્પ ભૂલી ગયો? આમને આમ ચાલતું રહ્યું. દિવસો, મહિનાઓ, વરસો વીત્યા.
એપ્રિલ ૨૦૨૦- મારા મિત્ર, હાર્દિકભાઈએ પોતાના ગૃહમંદિર માટે જયપુરના કારીગર દ્વારા નિર્મિત આરસ પાષાણમાં દર્શનીય પ્રતિમાઓનું નિર્માણ કરાવ્યું. ફોટા બતાવ્યા; પ્રતિમાઓ મનમોહક હતી. મને મારો લગભગ પાંચ વર્ષ પહેલા લીધેલ સંકલ્પ યાદ આવ્યો; હાર્દિકભાઈને વાત કરી, તેમણે શિલ્પી સાથે પરિચય કરાવ્યો. શિલ્પીને પૂરો પ્લાન આપ્યો - જીવિત સ્વામી પ્રભુના એક-એક અંગોના ફોટા, ચિત્રણ આદિ મોકલાવ્યા. તેમને ખુબ આત્મવિશ્વાસ હતો કે કાળા આરસમાં જીવિત સ્વામી પ્રભુની પ્રતિમાની પ્રતિકૃતિ નિર્માણ કરી આપશે. મને સેમ્પલ આદિ બીજી પ્રતિમાઓમાં કરેલ કામ બતાવ્યું. ઘણા દિવસ ચર્ચા ચાલી; તેમનું કામ વ્યવસ્થિત જોયું, તેમની પદ્ધતિ વિસ્તારથી જાણી પણ તેમની કળામાં પ્રાચીન શિલ્પની છટા ઓછી દેખાણી એટલે વાત આગળ ન વધી.
૨૪ ફેબ્રુઆરી ૨૦૨૧- ક્ષત્રિયકુંડ તીર્થાધિપતિ શ્રી જીવિતસ્વામી દાદાના નવનિર્મિત જિનાલયની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે શ્રી વર્ધમાન શક્રસ્તવ અભિષેક કરાવવાનો લાભ મળ્યો. દાદાની સામે બેસીને તેમના એક-એક વિશેષણો ગાવાનો અવસર મળ્યો. દાદાનું સ્વરૂપ જોઈને મન મલકાતું, વિશેષણોના ઉચ્ચારણમાં હય્યુ ગદ્-ગદ્ બનતું; પણ તેમની પ્રતિમા પર થયેલ ક્ષતિઓ જોઈને હૃદય દ્રવિત થતું; અંતરમાં સંકલ્પ ન પૂરો કરવાની વેદના થતી. બધા ઈમોશન એક સાથે ઉભરાણાં હતા - એક તરફ અભિષેકની ધારા પ્રભુના મસ્તક પર વહેતી અને બીજી તરફ મારી આંખોમાંથી અશ્રુની ધારા. તે સમયે, તે ક્ષણે, પ્રભુના વિશેષણો ગાતા-ગાતા, પ્રભુ પર અભિષેકની ધારા જોતા-જોતા નિશ્ચય કર્યો કે જ્યાં સુધી જીવિત દાદાની પ્રતિકૃતિરૂપ પ્રતિમાનું નિર્માણ ન કરું ત્યાં સુધી બધી મીઠાઈનો ત્યાગ કરીશ.
શિલ્પીની શોધમાં
ક્ષત્રિયકુંડની ધન્ય ધરાથી કલકતા પાછા આવ્યા બાદ, મારા સંકલ્પને પૂર્ણ કરવા અનેક શિલ્પીઓ સાથે સંપર્ક કર્યો. જયપુર- જબલપુરના આરસ પાષાણના કલાકારો, કર્ણાટક- રાજસ્થાનનાના પ્રસિદ્ધ ગ્રેનાઈટના શિલ્પીઓ અને પાલીતાણા, સિક્કિમ, ધર્મશાલા આદિના પ્રસિદ્ધ ધાતુ પ્રતિમાના કારીગરો સાથે વાત થઇ. બધાને ફોટા, સ્કેચ આદિ વિગતો મોકલાવીને જીવીત સ્વામી દાદાનો વિસ્તૃત પરિચય આપ્યો; મારો પ્લાન અને વિઝન બતાવ્યા. કોઈ પણ પ્રતિમા બનાવવા તૈયાર ન હતા. શિલ્પીની ખોજમાં દિવસો નીકળતા ગયા. જીવિત દાદાની પ્રતિમાની પ્રતિકૃતિ બનાવવાનો પ્રયાસ પૂર્વે અનેક વાર થયો હતો. તે બધાની શોધ કરી, એ પ્રતિમાઓના અમુક શિલ્પીઓ સાથે પરિચય કર્યો, ફોટા મંગાવ્યા; પણ બધી પ્રતિમાઓમાં મૂળ પ્રતિમાજીનું વ્યવસ્થિત સ્વરૂપ દ્રષ્ટિગોચર ન થયું.
આમ ઘણા દિવસ શોધ ચાલતી રહી પણ કોઈ કુશળ શિલ્પી સાથે મેળ ન પડ્યો. મે (May) મહિનાની ૧૮ તારીખે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોતા, "Lost -Wax casting[3]" શૈલી દ્વારા એક શિલ્પ નિર્માણનો વિડીયો જોયો. ખુબ બારીકીથી ધાતુમાં શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની પ્રતિમા શિલ્પીએ ઘડી હતી. શ્રી કૃષ્ણના વાળ, આંખો, મુખ, હોઠ આદિ જીવંત લાગતા હતા. શિલ્પી હતા ચેન્નાઇના શ્રી વિનેશ વિજયન. તેમની વેબસાઈટ શોધી; અન્ય શિલ્પો જોયા, કલાકારી સમજી. તેમનો સંપર્ક સાધ્યો. ફોટા, સ્કેચ આદિ વિગતો મોકલાવીને મારો પ્લાન મોકલાવ્યો. લગભગ ૭ દિવસના વિચાર વિમર્શ અને ચર્ચા બાદ તેઓએ જીવિત સ્વામી પ્રભુની ધાતુમાં ૧૧ ઇંચના માપની પ્રતિમા (પરિકર વિનાની) બનાવવાની સ્વીકૃતિ આપી; આશ્વાસન આપ્યું કે જીવિત સ્વામી પ્રભુની પ્રતિકૃતિ બનાવવાનો પ્રયાસ કરશે.
જીવિત સ્વામી પ્રભુની વર્તમાન પ્રતિમાઓથી ભિન્નતા
આજે શ્રી જૈન શ્વેતાંબર સંઘમાં, શ્રી જીવિત સ્વામી પ્રભુ જેવી પ્રતિમા પ્રાયઃ જોવા મળતી નથી. શ્રી જીવિત સ્વામી પ્રભુની મૂર્તિકળા પ્રાચીન પરંપરાને અનુસરે છે; જેથી એ વર્તમાનની પ્રતિમાઓથી ઘણી જુદી પડે છે. વર્તમાન શ્વેતાંબર પરંપરામાં પ્રચલિત મૂર્તિમંડન પદ્ધતિ અને શ્રી જીવિત સ્વામી પ્રભુના મૂર્તિમંડન વચ્ચેની વિભિન્નતા નિમ્નલિખિત વાતોથી જણાય છે-
ઉન્નત મસ્તક શિખા - શ્રી જીવિત સ્વામી પ્રભુની મસ્તક શિખા અવળા મુકેલા શ્રીફળ જેવી છે. મુખથી ૧૨ અંગુલ ઉપર છે. ભાલ પ્રદેશથી વાળના વલયો ફરતા-ફરતા છેક ઉપર શિખા સુધી જાય છે. છત્રાકાર મસ્તકનો ભાગ મસ્તકની ઉપર ઉષ્ણીષ અનુક્રમે ઉન્નત છે. પ્રભુના કેશ વાંકડિયા - દક્ષિણાવર્ત ફરતા વર્તુળોમાં સ્પ્રીંગની જેમ ગોઠવ્યા છે. આકોટા (બરોડા) થી પ્રાપ્ત પાંચમી સદીની પ્રતિમાઓ, પિંડવાડામાં બિરાજમાન (વસંતગઢથી પ્રાપ્ત) આઠમી સદીની પ્રતિમા, નાંદિયાના જીવિત સ્વામી પ્રભુ, પટના સાહેબ અને કુંડલપુરમાં (નાલંદા) બિરાજમાન શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમાઓ, નાડલાઈમાં (રાજસ્થાન) ગિરનાર ટેકરી ઉપર બિરાજમાન શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા, ઉદયપુરના વાસુપૂજ્ય સ્વામી જિનાલયમાં બિરાજમાન પ્રાચીન પાર્શ્વનાથ પ્રભુ આદિ અનેક પ્રાચીન પ્રતિમાઓમાં પ્રભુની ઉન્નત મસ્તક શિખાના દર્શન થાય છે.
હાલની મૂર્તિઓમાં ઉન્નત મસ્તક શિખા બનાવવામાં આવતી નથી. મસ્તકનો ભાગ જરીક ઊંચો જઈને પછી તરત જ રાઉંડ થઇ જાતો જોવાય છે - મસ્તકનો ભાગ અધોમુખ કરેલા કટોરા જેવો રખાય છે અને ઉષ્ણીષ માત્ર અંગુઠા/ ખરેખ/ સોપારી જેવો મુકાય છે. પ્રભુના કેશ માળાના મણકાની જેમ ત્રણ અથવા પાંચ લાઈનમાં દાણાની જેમ મુકાય છે. મસ્તક અડધું કેશ વાળું અને અડધું મૂંડ રાખવામાં આવે છે.
ભ્રમરો - શ્રી જીવિત સ્વામી પ્રભુના ભ્રમરોની વિશેષતા છે કે તે નાસિકાના ઉપરના મૂળભાગથી શરુ થઈને ઉડતા પક્ષીની જેમ પહેલા એકદમ સીધી લાઈનમાં મસ્તક તરફ ઊંચી જાય છે અને કાન તરફ લંબાતી જાય છે જયારે નેત્રોના મધ્યભાગે આવે છે. ત્યાંથી કાન પ્રતિ વળાંક લઇ લે છે. સામાન્ય શબ્દોમાં કહેવાય તો શ્રી જીવિત સ્વામી પ્રભુના ભ્રમરો ધનુષ્યનાં આકાર જેવા લાગે છે અને ભાલ પ્રદેશનું તિલક અને નાસિકાની દાંડી ભેગા મળીને ધનુષ્યની વચ્ચેથી ઉર્ધ્વગતિ કરતા તીરની ભ્રાંતિ કરાવે છે. વર્તમાન મૂર્તિમંડનમાં ભ્રમરોને સામાન્ય વળાંક દેવામાં આવે છે અને તેના ઉપર પણ ચક્ષુઓની જેમ બાહ્ય ભ્રમરો ચોંટાડવામાં આવે છે.
આંખો/ નેત્રો - શ્રી જીવિત સ્વામી પ્રભુની પ્રતિમામાં લગભગ ઈસ્વી. સન ૧૯૮૫ સુધી બાહ્ય ચક્ષુઓ ચોંટાડવામાં આવતા ન હતા અને મૂળ ધ્યાનમગ્ન સ્વરૂપમાં પ્રભુની પૂજા થતી હતી. તે સમયના પ્રાપ્ય ફોટાઓના આધારે સમજાય છે કે પ્રભુના નેત્રો અમુક અંશે ઢળેલા છે અને ઉત્કૃષ્ટ ધ્યાનમાં હોવાથી શિલ્પીએ પ્રભુની કિકી દર્શાવી નથી. જીવિત સ્વામી પ્રભુના નેત્રો ચરમભાગે છેક કાન સુધી પહોંચેલા છે એટલે ફ્રંટમાંથી દર્શન કરીએ તો મુખ ઉપર નાકના મૂળભાગથી નેત્રો શરુ થાય છે અને નેત્રો પૂર્ણ થયા પછી સીધા કાન જ નજરમાં આવે છે. આજે પણ ચોંટાડેલા ચક્ષુની પાછળ કાન સુધીના મૂળ નેત્રોના દર્શન આંશિક રીતે થાય છે.
વિશેષ: દિગંબર પરંપરાની પ્રતિમાઓમાં પ્રભુના નેત્રો નાસિકા પર કેન્દ્રિત હોય તેવા બનાવવામાં આવે છે[4]; પરંતુ શ્રી જીવિત સ્વામીની પ્રતિમામાં નેત્રોની કિકી દર્શાવવામાંજ આવી નથી - અર્થાત્, પ્રભુની કિકી આંખો ઉપર ધ્યાનમગ્ન છે, નાસિકા પર કેન્દ્રિત નથી, એટલે ચક્ષુ વિના આ પ્રતિમાજીને દિગંબર પરંપરાની સમઝવી ઉચિત નથી.
વર્તમાન શ્વેતાંમ્બર પરંપરામાં પ્રભુના ધ્યાનમગ્ન નેત્રો રાખવાની પરંપરા વિલુપ્ત થઇ ગઈ છે. તદુપરાંત મૂળ કોતરેલા નેત્રો ઉપર સ્ફટિક, ડાયમંડ, કાચ અથવા મીનાકારીના બાહ્ય ચક્ષુઓ ચોંટાડવામાં આવે છે. આ ચક્ષુઓથી આંખો ધ્યાનમગ્ન નહીં પણ સંપૂર્ણ ખુલ્લી દેખાય છે.
પ્રખર ઇતિહાસકાર અને સંશોધક, પ. પૂ. મુનિ શ્રી કલ્યાણવિજયજીના અનુસાર શ્વેતાંબર પરંપરામાં બાહ્ય નેત્ર (ચક્ષુઓ) ચોંટાડવાનું પ્રમાણ કોઈ શાસ્ત્રમાં પ્રાપ્ત થતું નથી. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ દ્વારા ઈસ્વી. ની ૮મી સદીમાં રચિત શ્રી સંબોધ પ્રકરણમાં પૂજાના ૧૭ પ્રકારોમાં 'વત્થુજુઅલં' નો ઉલ્લેખ છે (જે વસ્ત્રયુગલને સૂચવે છે). પરંતુ ઈસ્વી. ની ૧૫મી સદીમાં રચિત શ્રી શ્રાદ્ધવિધિકૌમુદીમાં ઉદ્ધરેલી તેવાજ ભાવની ગાથાઓમાં 'વત્થુજુઅલં' ના સ્થાને 'ચક્ખુજુઅલં' દાખલ થયું છે, જેના કારણે ચક્ષુર્યુગલ પૂજા તૈયાર થઇ ગઈ. તેમના અનુસાર શ્વેતાંબર પરંપરામાં બાહ્ય નેત્ર (ચક્ષુઓ) ચોંટાડવાની પ્રથા ઈસ્વી. ની ૮મી સદીથી લઈને ૧૫મી સદી વચ્ચે શરુ થઇ છે.
અહીં નોંધનીય છે કે પ્રભુની અંજનશલાકા બાહ્ય ચક્ષુઓ પર નહિ પરંતુ મૂળ કોતરેલા નેત્રો ઉપરજ થાય છે, જેના ઉપર ચક્ષુઓ ચોંટાડવામાં આવે છે. પ્રાચીન શ્વેતાંબર પ્રતિમાઓમાં અડધા બંધ નેત્રો, ધ્યાન મગ્ન નેત્રો આદિ જોવા મળે છે. દાંતા-અંબાજીથી સંપ્રાપ્ત ૭૦૦ વર્ષ પ્રાચીન ઉભી બે પ્રતિમાજીઓ, કોબા મ્યુઝમમાં, બરોડા મ્યુઝયમમાં, મહુડીથી પ્રાપ્ત ગુજરાતની સહુથી પ્રાચીન પ્રતિમાજી અને પિંડવાડાની શ્રી ઋષભદેવ ભગવાનની પ્રતિમા, પુરુલિયાના પાર્શ્વનાથ ભગવાન આદિ અનેક પ્રતિમાઓ ધ્યાનમગ્ન છે. આ બધી પ્રતિમાઓમાં નેત્રો ધ્યાનમગ્ન છે અને ૮૦ ટકા બંધ છે; પરંતુ કછોટો કંદોરો પણ સ્પષ્ટ દેખાય છે. આચાર્ય શ્રી હેમરત્નસુરીશ્વરજી મહારાજે પણ ફરમાવ્યું છે કે પ્રભુની આંખ બંધ હોય તો મૂર્તિ દિગંબર છે એવી ધારણા બાંધવી યોગ્ય નથી.
કર્ણ - શ્રી જીવિત સ્વામી પ્રભુની પ્રતિમાને સામેથી જોવાથી લાગે કે કર્ણયુગલ હલકા વળાંક સાથે ઉભી બે પટ્ટીઓ જેવા કોતરવામાં આવ્યા છે. સાઈડથી જોવાથી મોતીની છીપ જેવા દેખાય છે. કર્ણયુગલમાં કોઈ પણ આભૂષણ (કુંડળ) કોતરવામાં નથી આવ્યા. હાલની શ્વેતાંબર પ્રતિમાઓમાં નેચરલ કાનનો આકાર આપવામાં આવે છે અને કર્ણયુગલ નીચે કુંડળ પણ કોતરવામાં આવે છે.
શ્રીવત્સ - શ્રી જીવિત સ્વામી પ્રભુની પ્રતિમામાં શ્રીવત્સ કોતરેલો નથી. પૂર્વભારત તથા દક્ષિણની અનેક પ્રાચીન જૈન પ્રતિમાઓમાં શ્રીવત્સ કોતરેલો જોવા મળતો નથી. તીર્થંકર પ્રભુની પ્રાચીન તથા અર્વાચીન પ્રતિમાઓમાં છાતી પર શ્રીવત્સ (પ્રાકૃતમાં સિરિવચ્છ) નું અંકન કરવામાં આવે છે. ઇતિહાસકારો મુજબ ઈસ્વી. ની પહેલી સદીથી મથુરાના શિલ્પીઓ દ્વારા શ્રીવત્સ અંકન કરવાની પ્રથા પ્રારંભ થઇ. શ્રી ઔપપાતિક સૂત્ર, શ્રી ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર આદિ ગ્રંથોમાં ‘શ્રીવત્સ’ ના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. ‘શ્રીવત્સ’ શબ્દ બે શબ્દો, ‘શ્રી’ (શ્રીદેવી) અને ‘વત્સ’ (ધન્ય વ્યક્તિત્વ) નું સંયોજન છે; જે સૂચવે છે કે સર્વોચ્ચ જ્ઞાન, તીર્થંકરના હૃદયમાંથી પ્રગટ થાય છે. મહાપુરુષોએ એમ પણ જણાવ્યું છે કે 'શ્રીવત્સ', એ છાતીનો એક ઉંચો ભાગ છે જ્યાં (છાતીના) વાળ સુંદર રીતે જમણી બાજુએ વળાંકવાળા એક ઉપેસલા સમૂહની રચના કરે છે જે તેમના હૃદયમાં રહેલા ઊંડા જ્ઞાનને દર્શાવે છે.
કંદોરો - શ્રી જીવિત સ્વામી પ્રભુની પ્રતિમામાં કંદોરો કોતરવામાં નથી આવ્યો. એનો અર્થ એ નથી કે એ દિગંબર અવસ્થામાં છે; કારણકે પ્રતિમામાં ક્યાંય નગ્નતા પણ દ્રષ્ટિગોચર નથી થતી. શ્રી ઔપપાતિક સૂત્ર અનુસાર નિર્વસ્ત્ર હોવા છતાં પ્રભુનું પુરુષચિહ્ન કુળવાન અશ્વની જેમ અત્યંત ગુપ્ત હોય છે - તેજ રીતે આ પ્રતિમામાં કંદોરો ન હોવા છતાં નગ્નતા દર્શાવવામાં આવી નથી. પ્રાચીન કાળમાં શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયની પ્રતિમાઓમાં ભેદ ન હતા. મથુરાના ૩,૦૦૦ વર્ષ પ્રાચીન સ્તૂપના અવશેષોથી પણ જાણવા મળે છે કે ઈસ્વી. ની ત્રીજી સદી સુધી વસ્ત્રધારી સાધુઓ (જેઓ પાત્રા, ચોલપટ્ટો તથા ઓઘાનો ઉપયોગ કરતા હતા તથા જેમના ગણ, શાખા અને કુળોના નામ શ્રી કલ્પસૂત્ર સ્થવિરાવલીમાં મળે છે) દ્વારા તીર્થંકર પ્રભુની નિર્વસ્ત્ર પ્રતિમાજીઓની સ્થાપના કરવામાં આવેલ છે. હલસી ગામથી (કર્ણાટક) પ્રાપ્ત થયેલ ઈસ્વી. ની પાંચમી સદીના રાજા મૃગોશવર્મનના તામ્ર અભિલેખોથી પણ સ્પષ્ટ થાય છે કે દિગંબર, યાપનીય તથા શ્વેતાંબર સંઘના આરાધકો એકજ જિનબિંબની આરાધના કરતા હતા.
વર્તમાન શ્વેતાંબર પરંપરાની દરેક મુદ્રાઓની પ્રતિમામાં (પદ્માસન/ કાર્યોત્સર્ગ/ પ્રવચન/ ગૌદોહીક આસન મુદ્રા) કંદોરો-કટિસૂત્ર- કછોટો કોતરવામાં આવે છે. શ્રી પ્રવચનપરીક્ષા ગ્રંથમાં ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજીએ જણાવ્યું છે કે ગિરનાર તીર્થની માલિકી અંગે દિગંબરો અને શ્વેતાંબરો વચ્ચે જે વિવાદો ઉત્પન્ન થયા, તેના પછી (આચાર્ય બપ્પભટ્ટસૂરિના સમયમાં) શ્વેતાંબર પરંપરાની બધીજ મૂર્તિઓમાં સ્પષ્ટ વાસ્ત્રાંકન કરવાની પ્રથા પ્રારંભ થઇ. કાળાન્તરે ભવિષ્યમાં વિવાદનું કારણ ન બને તે માટે પૂજ્ય ગુરુભગવંતોએ શ્વેતાંબર જિનપ્રતિમાજીમાં કટિસૂત્ર-કંદોરા તથા કછોટા કોતરવાની પ્રથા શરુ કરી.
લક્ષણો - શ્રી જીવિત સ્વામી પ્રભુની પ્રતિમાની હથેળી અને પગના તળિયામાં ખુબ નાજુક લક્ષણો કોતરેલા છે. વર્તમાન પ્રણાલિકામાં માત્ર અમુક જ પ્રતિમા માંજ લક્ષણો કોતરવામાં આવે છે.
પ્રતિબિંબ નિર્માણનો પ્રારંભ
૨૫ મે (May) ૨૦૨૧ના રોજ શિલ્પી શ્રી વિનેશજીએ જીવિત સ્વામી પ્રભુની પ્રતિકૃતિ બનાવવાની સ્વીકૃતિ આપી હતી પરંતુ અનેક વ્યવહારિક કારણોથી ૩૦ ઓક્ટોબર સુધી કામ આગળ ન વધ્યુ. કદાચ શુભ દિવસેજ આ કાર્યની શરૂઆત થવાની હશે એટલે વિલંબ થયો - શાસનદેવની અસીમ કૃપાથી પ્રભુ શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ કલ્યાણકના પાવન અવસરે (દિવાળી - ૪ નવેમ્બર ૨૦૨૧) આ સેવેલા મનોરથનો પ્રારંભ થયો. શ્રી વિનેશજીએ પ્રતિમાનો પરિમાણ સાથે પ્રારંભિક સ્કેચ બનાવ્યો. મૂળ પ્રતિમાના પરિમાણ અનુસાર તેમની લઘુ પ્રતિકૃતિ ૧૧ ઇંચમા નિર્માણ થશે, તેમાં પ્રભુનું મુખ ૨.૫ ઇંચ પ્રમાણનું બનશે તે નક્કી થયું.
૧૫ નવેમ્બર ૨૦૨૧ના રોજ પ્રતિમાજીના ક્લે (માટીના) મોડલનું કાર્ય શરુ થયું. તે દિવસે દેવાધિદેવ જીવિત પ્રભુની પ્રતિમાનો પ્રથમ આકાર બનવાની ખુશી-ઉત્સાહમાં આયંબિલ કર્યું - મિષ્ટાન્નનું વિતરણ કર્યું. વિનેશજીએ પ્રથમ wire armature બનાવ્યું જેના માળખા પર water based clay લગાવવામાં આવી. આ clay સુકાતા અમુક દિવસ લાગ્યા. તેના ઉપર synthetic clay લગાવી આકાર આપવાનું કાર્ય શરુ થયું.
૬ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ પ્રભુના મૉડેલનો પ્રથમ કાચો આકાર નિર્માણ પામ્યો. તે મૉડેલના મુખના આકારને પહોળો કરવાની, ખભા અને હાથને સાંકડા અને ચરણોને વધુ માંસલ કરવાની આવશ્યકતા જણાઈ. અનેક નાની ખામીઓ હોવાથી તેમાં ઘણા સુધારા કરાવ્યા જેને પૂર્ણ કરતા કરતા ૨૧ ડિસેમ્બર થઇ ગઈ. સુધારાઓ કરવા છતાં પણ મુખનું શરીર સાથેનું પ્રમાણ, ઉષ્ણીષનો આકાર, ભ્રમરો, કુંડળ અને ચક્ષુઓ આદિમાં ઘણી ખામીઓ લાગી. ભાષાકીય અવરોધ હોવા છતાં શિલ્પીને બધું સમજાવ્યું, એક-એક આકારના ફોટા ઝૂમ ક્રરીને મોકલ્યા, વિડિઓ કોલમાં સમજાવ્યા. આ સમસ્ત સુધારા કરતા-કરતા મહિનાઓ નીકળી ગયા અને ૪થી ફેબ્રુઆરી ૨૦૨૨ના દિવસે, પાકું મૉડેલ નિર્માણ પામ્યું. તેમાં પણ કમલાસનનું કાર્ય બાકી હતું અને બારીક કામમાં ઘણી ભૂલો રહી ગઈ લાગી - ખાસ કરીને ચક્ષુ અને કર્ણમાં. તે બધું ફરી વિશેષ રૂપે જણાવ્યું અને સુધારા કરવા વિનંતી કરી.
આ સમસ્ત પ્રક્રિયા જોઈને સમજાઈ ગયું કે દૈવિક શિલ્પની પ્રતિકૃતિ બનાવવી અઘરી નહિ પણ અશક્ય છે. મારા અંતરાય કર્મોના કારણે શિલ્પી બીજા કાર્યોમાં વ્યસ્ત બન્યા- તેમને સરકાર દ્વારા મ્યુઝમનો પ્રોજેક્ટ મળ્યો, તેઓના પરિવારમાં અણધાર્યા પ્રસંગો બન્યા; આ બધા કારણોથી પ્રતિમા માટે પર્યાપ્ત સમય ફાળવી ન શક્યા અને નિર્માણમાં મોડું થતું ગયું. છેવટે શાસન દેવની અસીમ કૃપાથી ૨૩મી એપ્રિલ ૨૦૨૨ના રોજ ક્લે મૉડેલનું નિર્માણ પૂર્ણ થયું.
ક્લે મૉડેલના નિર્માણની પુર્ણાહુતી બાદ બીજી મેં (2-5-2022) ના રોજ પ્રતિમાનું બીબું બનાવવાનું કાર્ય શરુ થયું. ક્લે મૉડેલ ઉપર મીણનું મૉડેલ તૈયાર થયું જેના પછી ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગની પ્રક્રિયા ચાલુ થઇ જેથી સીરામીકના આવરણયુક્ત સિમેન્ટના માળખાંમાં બીબું તૈયાર થયું. એકવાર સિરામિક સિમેન્ટનું માળખું સખત થઈ ગયું તે પછી, જ્યાં સુધી મીણ ઓગળીને બહાર નીકળી ન જાય ત્યાં સુધી તેને ગરમ કરવામાં આવ્યું જેના બાદ કઠણ સિરામિક શેલથી અંદરમાં બીબું નિર્માણ પામ્યું.
આ સમસ્ત પ્રક્રિયા પછી, ગુરુવાર વૈશાખ સુદ ૪ ના રોજ (૫-૫-૨૦૨૨) શુભ મંગલ મુહૂર્તે, પીગળેલા પંચધાતુને બીબામાં રેડવામાં આવ્યું અને એક દિવસ સંપૂર્ણ બીબાંને ઠંડુ કરવામાં આવ્યું. છઠ્ઠી મેં ના રોજ બીબામાંથી પ્રતિમાજીને કાઢીને સેન્ડબ્લાસ્ટિંગ દ્વારા સાફ કરવામાં આવી અને સાતમી મેં ના રોજ ફિનિશિંગ આપવામાં આવ્યું - જેમ પ્રભુનો જન્મ થયો હોય તે રીતે જીવિત પ્રભુની પ્રતિકૃતિ રૂપ પ્રતિમા નિર્માણ પામી!
ઈસા પૂર્વ ૫૫૫ વર્ષ (555 B.C.)- દેવાર્ય ૨ વર્ષ પૂર્વે ઋજુવાલુકાના કિનારે જૃમ્ભકગ્રામની ભૂમિમાં સર્વજ્ઞ - સર્વદર્શી બન્યા હતા. ત્યાંથી વિહાર કરીને પાવા, રાજગૃહી આદિ નગરોમાં પોતાના શિષ્ય પરિવાર સાથે વિહાર કરતા પોતાની ચ્યવનભૂમિ - બ્રાહ્મણકુંડગ્રામ પધાર્યા. ત્યાં પ્રભુએ તેમના પૂર્વ માત-પિતા દેવાનંદા-ઋષભદત્તને પ્રતિબોધીને દીક્ષા આપી. ત્યાંથી વિહાર કરીને દેવાર્ય તેમની જન્મભૂમિ - ક્ષત્રિયકુંડ પધાર્યા; જે ભૂમિમાં દેવાર્ય જન્મ્યા, રમ્યા, નિશાળે ગયા, રાજ્યવસ્થા આદિમાં રહ્યા તે ક્ષત્રિયકુંડની ધન્ય ધરા પર તેમના સમવસરણ રચાયા. પ્રભુના ભ્રાતા અને ક્ષત્રિયકુંડના અધિપતિ, નંદિવર્ધન વિપુલ સમૃદ્ધિ અને ભક્તિ સાથે દેવાર્યને વંદન કરવા પધાર્યા. પ્રભુએ દેશનામાં વૈરાગ્યનો ધોધ વહાવ્યો; તેમની મધુરી વાણીથી ભૂમિના અણુ-પરમાણુ વધુ પવિત્ર બન્યા. લોકોમાં વૈરાગ્યની લહેર દોડી; પુત્રી પ્રિયદર્શના અને જમાઈ જમાલીએ અનેકો સાથે પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી.
તે સમયે દેવાર્યના જન્મને ૪૪ વર્ષ વીત્યા હતા, છતાં તેઓ સર્વાંગસુંદર હતા; તેમની સેવામાં દેવો હાજરાહજૂર રહેતા; તેમને વંદન કરવા, એક ક્ષણ માટે પણ તેમનું રૂપ નિહાળવા લોકો પડાપડી કરતા. સાત હાથની સમચોરસ સંસ્થાન કાયા યુક્ત, તેઓ રૂપ, લાવણ્ય, કાંતિ, ઐશ્વર્ય અને લક્ષણોના સ્વામી હતા! તેમનું મુખ પદ્મકમળ જેવું સુંદર હતું; નીલોત્પલ (નીલકમળ) જેવા સુરભિમય નિઃશ્વાસથી તેઓ યુક્ત હતા. તેમના પ્રત્યેક અંગ દીપ્તિથી ઉદ્યોતિત હતા. દેવાર્યના જટાયુક્ત કેશનો ઉષ્ણીષ પર્વતના શિખર સમાન દેખાતો હતો; તેમના મુલાયમ કેશ, ગાઢ, ચમકીલા, કાળા અને વાંકડિયા (ઘુંઘરાળા) હતા. તેમનું લલાટ, અર્ધ ચંદ્ર સમાન ભવ્ય દેખાતું હતું. તેમના કાળા અને સ્નિગ્ધ ભ્રમર, ધનુષ આકારના હતા; અર્ધ વિકસિત પુંડરિક (શ્વેત) કમળની નાજુક પાંદડી સમાન ધ્યાનમગ્ન નેત્રો કર્ણ સુધી દીર્ઘ હતા અને કાજલ જેવી શ્યામ પાંપણોથી યુક્ત હતા. પ્રહરોના-પ્રહરો પર્યંત તિર્યક્ ભિત્તિમાં પોતાના નેત્રોને એકાગ્ર કરીને પોતાની અંતરાત્માના ધ્યાનમાં લિન, દ્રઢ, નિષ્પ્રકંપ અને પ્રબળ રહેતા. રાજ્યવસ્થામાં ભારોભાર કુંડળથી શુશોભિત રહેવાથી તેમના વિસ્તારેલા કર્ણયુગલ મુખરૂપી સિંધુના કિનારા ઉપર પડેલી મોતીની છીપ સમાન લાગતા હતા. તેમની નાસિકા ગરુડની ચાંચની જેમ લાંબી, સીધી અને ઉન્નત હતી; હોંઠ તો બિંબફળ જેવા લાલ હતા.
તેમનો કંઠ-ભાગ ચાર અંગુલ પ્રમાણ હતો તથા ઉત્તમ શંખ સમાન ત્રણ રેખાઓથી યુક્ત હતો. તેમના સુપુષ્ટ ખભા સિંહ અને હાથી જેવા પરિપૂર્ણ અને વિસ્તીર્ણ હતા; હાથના તળિયા નવીન આમ્રપલ્લવ (નવા આંબાના પાંદડા) જેવા લાલ હતા; તેમાં શુભ ચિહ્નો-લક્ષણો અંકિત થયેલા હતા. કરતલ સાથે જોડાયેલા અંગુઠા તથા આંગળીઓ રક્તવર્ણની સરલ અને પ્રાંતભાગે માણેકના પુષ્પ જેવી તથા કલ્પવૃક્ષના અંકુશ જેવી લાગતી હતી. આંગળીઓના પ્રાંત ભાગે દક્ષિણાવર્તના ચિહ્નો સર્વ સંપત્તિને કહેનારા દક્ષિણાવર્ત શંખની શોભાને ધારણ કરતા હતા. દેવાર્યનું વક્ષઃસ્થળ સુવર્ણની શીલા જેવું વિશાળ અને ઉન્નત હતું. તેમનો નાભિ પ્રદેશ નદીમાં ઉત્પન્ન થતી ભમરી જેવો ગંભીર હતો અને પુરુષચિહ્ન કુળવાન અશ્વની જેમ અત્યંત ગુપ્ત હતું. તેમના જાનુ, માંસલ, સ્નિગ્ધ અને ગોળાકાર હતા જે કેળના સ્થંભ જેવા લાગતા હતા અને ચરણ સુપ્રતિષ્ઠિત સુંદર રચનાયુક્ત મનોજ્ઞ પ્રતીત થતા હતા. ચરણની આંગળીઓ ક્રમશ: આનૂપૂર્વીયુક્ત એક બીજા સાથે જોડાયેલી હતી અને તેમના લક્ષણયુક્ત પગલાં, લાલ કમળના પત્તા સમાન સુકુમાર અને કોમળ હતા. તેમનું શરીર સ્વર્ણના સમાન કાન્તિમાન, નિર્મળ, રોગ રહિત- દોષ રહિત ઉત્તમ પુરુષના ૧૦૦૮ લક્ષણ યુક્ત હતું.
દેવાર્યની આવી ભવ્યતા અને તેજસ્વી ધ્યાનમગ્ન સ્વરૂપ જોઈને નંદિવર્ધન હરખાતા, મલકાતાં; કલાકો સુધી દેવાર્યને નિહાળતા - તેમના નયનાભિરામ દિવ્ય રૂપનું અમૃતપાન કરતા. પણ તેમના મનમાં એક વ્યથા સતત રહેતી - જયારે દેવાર્યનો ક્ષત્રિયકુંડથી વિહાર થશે પછી એમના આ દિવ્ય રૂપનું દર્શન કઈ રીતે થશે? આ વ્યથાનું નિરાકરણ કરવા શ્રી નંદિવર્ધન રાજાએ ઉત્તમ શિલ્પીને બોલાવી દેવાર્યના પ્રતિબિંબ રૂપ પ્રતિમાના નિર્માણનું નિશ્ચય કર્યું - બહુમૂલ્ય એવા કસોટીના પાષાણમાં દેવતાથી અધિષ્ઠિત બની જતાં એ અજ્ઞાત શિલ્પીના હાથે પ્રભુના પ્રતિબિંબનું નિર્માણ પ્રારંભ થયું. જોત-જોતામાં ૪૯ ઇંચના પરિકરમાં ૨૪ ઇંચના દેવાર્યનું ૧૦૮ લક્ષણ યુક્ત આબેહૂબ પ્રતિબિંબ ૩૦૦ કિલોના કસોટી પથ્થરમાં નિર્માણ પામ્યું.
પરિકરમાં દેવાર્યના સંપૂર્ણ પરિવારને અંકિત કરવામાં આવ્યા - ડાબી તરફમાં હાથી પર પિતા શ્રી સિદ્ધાર્થ રાજા અને ભ્રાતા નંદિવર્ધન; જમણી બાજુએ શયન કરતા માતા ત્રિશલા અને તેની સેવામાં બેન સુદર્શના; પ્રભુના કમલાસન નીચે પબાસણમાં જમણી-ડાબી બાજુએ રાણી યશોદા અને કુમારી પ્રિયદર્શના. દેવાર્યની પ્રતિમાનું નિર્માણ થતા નંદિવર્ધન આનંદમાં ઘેલા બન્યા. પ્રીતિના પાષાણમાં ભક્તિના ટાંકણે નિર્મિત થતી આ પ્રતિમા સ્વયં દેવાર્યની અમીદ્રષ્ટિથી વધુ પાવન બની અને પ્રભુના વિહાર બાદ આ પ્રતિબિંબ સ્વરૂપ પ્રતિમાની પૂજા, નંદિવર્ધન જાવત્-જીવ કરી![1]
શ્રી જીવિત સ્વામી વર્ધમાન પ્રભુનું મૂળ સ્વરૂપ |
ઐસી લાગી લગન
માનવ અને પ્રભુ વચ્ચેનો અતૂટ સ્નેહ, તેનું નામ ભક્તિ. અને જીવિતસ્વામી પ્રભુની ભક્તિની પરાકાષ્ટાએ પહોંચેલા મહાપુરુષ એટલે શ્રી કન્હૈયાલાલ વૈદ. મૂળ બીકાનેરના વતની અને કલકત્તાના રહેવાસી સુશ્રાવક શેઠ શ્રી કન્હૈયાલાલ વૈદ, બાલ-બ્રહ્મચારી હતા. એકદમ સાદું, સરળ અને આડંબર રહિત વ્યક્તિત્વ; જીવનમાં એક ફોટો પણ પડાવ્યો નહિ. વર્ષના ૬ મહિના ક્ષત્રિયકુંડ, કાકંદી અને કૌશંબીની તીર્થરક્ષા કાજે વ્યતીત કરવાનો નિયમ. પોતાનું જીવન આ ત્રણેય કલ્યાણક ભૂમિ માટે ન્યોછાવર કરી દીધું અને સમસ્ત સંપત્તિ આ ભૂમિઓના જીર્ણોદ્ધારમાં લગાવી દીધી.
તેઓ જીવિત સ્વામી પ્રભુના સામાન્ય ભક્ત નહીં, પણ દીવાના હતા. જીવિત સ્વામી પ્રભુની છત્ર-છાયા અને ભક્તિમાં તેઓ કલાકો-દિવસો-મહિનાઓ વ્યતીત કરતા. તેમણે જીવિત સ્વામી પ્રભુની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવાની ખુબ ભાવના હતી. તે માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા. શેઠ, કલાના જાણકાર, શોખીન અને કલાકારના કદરદાન હતા. ઓરિસ્સા, બંગાળના અચ્છા અચ્છા કારીગરોને બોલાવી બોલાવીને જીવિત સ્વામી પ્રભુના મોડલ તૈયાર કરાવ્યાં હતાં. પાંચ-પંદર મોડલ બનાવીને તૈયાર કરવા છતાં શેઠને સંતોષ થતો ન હતો. તેમણે ડીટ્ટો ક્ષત્રિયકુંડ જેવી પ્રતિમા ભરાવવી હતી, પણ મેળ પડતો ન હતો. ખજૂરાહો, કોનાર્ક અને સાઉથમાં બધે ફર્યા. એક-એક શિલ્પ નકશીને બારીકાઇથી જોતા અને શિલ્પીઓને કહેતા – “અપની મૂર્તિ મેં અપન કો ઐસા કામ કરાનેકા હૈ”. ખૂબ ફર્યા, ખૂબ રખડ્યા, ખૂબ શિલ્પો જોયા પણ કાંઈ ઠેકાણું ન પડ્યું. કોઈકે કહ્યું કે, જયપુરમાં મૂર્તિના સારા કારીગરો છે. તેઓ જયપુર જઈ આવ્યા, નામાંકિત કલાકારોને ક્ષત્રિયકુંડ લઇ આવ્યા. એમના મનમાં બહુ રાઈ ભરેલી હતી કે, ગમે તેવી પ્રતિમા હોય અમે ઘડી આપશું. શેઠે જયપુરના કારીગરોને પૂજાનાં કપડાં પહેરાવ્યાં અને મંદિરમાં લઇ ગયા. ભગવાનના દર્શન કરાવ્યા અને કહ્યું કે, "હમકો ઠીક ઐસી હી દૂસરી પ્રતિમા બનાની હૈ." કલાકારો કલાકો સુધી મૂર્તિનું નિરીક્ષણ કરીને બહાર આવ્યા. પેઢીમાં શેઠ પાસે ગયા અને હથિયાર હેઠાં મૂકી દેતાં બોલ્યા, “શેઠજી! હમસે યહ કામ નહી હો પાયેગા! ઐસી મૂર્તિ બનાના કોઈ આસાન કામ નહીં હૈ. હમ યહ કામ નહી કર સકેંગે ક્યોંકી યહ મૂર્તિ આદમી સે નહીં દેવ સે બની હુઈ હૈ. આદમી ક્યા ખાક્ કામ કરેગા? આપ ભી અબ યહ લગન છોડ દીજીયે કુછ નહિ હો પાયેગા.” શેઠજીએ કહ્યું કે, “અરે ભૈયા! ઐસી બાત મત કરો! હમકો કોઈભી હાલત મેં ઐસી મૂર્તિ બનાની હૈ. આપ હી હમે રાસ્તા દિખાઓ”. “શેઠજી! એક રાસ્તા હૈ, ઐસા હો સકતા હૈ કી યહી મૂર્તિ કે ઉપર મોંમ લગાકે ડાઇ નિકાલો, ઉસ ડાઇસે મોડલ બનવાઓ ઓર ઉસી ડાઈમેં પંચધાતુકા રસ ડાલ કર પંચધાતુકી મૂર્તિ બનાઓ તો ઠીક વૈસાહી રૂપ આ સકતા હૈ, ઓર ઉસકે અલાવા ઔર કોઈ રાસ્તા નહીં હૈ”.
કન્હૈયાલાલ શેઠ, જીવિત સ્વામી પ્રભુની મૂર્તિ પાછળ પાગલ થઇ ગયેલા એટલે એમને ફોરેનથી પ્યોર મીણ મંગાવ્યું; ડાઇ બનાવી, મોડલ બનાવ્યું. પછી પંચધાતુમાં ઢાલન કરવાનું હતું એટલે કુશળ કારીગરોની શોધમાં શેઠ નેપાલ ગયા; ત્યાં બુદ્ધ મૂર્તિઓની ઢલાઈ કરનારા કારીગરોને મળ્યા, આખો કન્સેપ્ટ સમજાવ્યો અને રૂપિયા બાણુ હજારમાં આખી મૂર્તિ ઢાળવાનો ઓર્ડર બુક કરાવી એડવાન્સ આપીને શેઠ પાછા કલકત્તા આવ્યા. ડમડમ એરોડ્રમથી ઉતરીને ઘેર આવ્યા અને અડધો કલાકમાં શેઠને એટેક આવ્યો અને શેઠ નાની ઉંમરમાંજ ગુજરી ગયા. તેમની ઈચ્છા મનમાં જ રહી ગઈ અને જીવિત સ્વામી પ્રભુના આબેહૂબ મોડલ આજે ધૂળ ખાતાં ક્યાંય પડી રહ્યાં છે[2].
શેઠશ્રી કન્હૈયાલાલ વૈદ દ્વારા P.O.P માં નિર્મિત શ્રી જીવિત સ્વામી પ્રભુના આબેહૂબ મોડલ |
પ્રથમ નઝરે પ્રેમ
ઈસ્વી સન. ૨૦૦૩. પપ્પા શાહપુરમાં પરમ પૂજ્ય આચાર્ય વિજય શ્રી હેમરત્નસૂરિશ્વરજી મહારાજની નિશ્રામાં યોજાયેલ શિબિરથી પાછા આવ્યા ત્યારે એક અદ્ભૂત ગ્રંથરૂપ પુસ્તક લઇ આવ્યા; નામ હતું “શ્રી આદિજિનબિંબ નિર્માણ પ્રબંધ”. શ્રી માનસમંદિરમ તીર્થ, શાહપુરના નયનરમ્ય મૂળનાયક શ્રી આદિનાથ પ્રભુની પ્રતિમાના નિર્માણની કથા જીવિત સ્વામી પ્રભુની પ્રતિમાના દર્શનથી શરૂ થઇ. પૂર્વ ભારતમાં રહેવા છતાં મારા જીવનના ૧૪ વર્ષમાં મેં ક્યારેય ક્ષત્રિયકુંડના જીવિત સ્વામી પ્રભુના દર્શન કર્યા ન હતા; પૂજ્ય આચાર્યશ્રીના શબ્દોની આંગળી પકડીને મેં ક્ષત્રિયકુંડની પ્રથમ વાર ભાવયાત્રા કરી. વિ.સં. ૨૦૪૦ માં (ઈ.સં. ~૧૯૮૪) આચાર્યશ્રીએ કરેલ શ્રી જીવિત સ્વામી પ્રભુના દર્શનના પ્રકરણો વાંચીને હૈયું overflow થઈ ગયું. પ્રકરણના એક-એક શબ્દ, આચાર્યશ્રીના ભાવોની પરાકાષ્ટાને દર્શાવતા હતા.
દરેક શબ્દે મારું જીવિત સ્વામી પ્રભુ પ્રત્યે આકર્ષણ વધતું ગયું. અમુક પાનાં હજુ ફેરવ્યા ત્યાં તો જીવિત પ્રભુનો ફુલ પેજ ફોટો આવ્યો; સત્ય કહું તો ફોટો જોઈને આંખો ભરાઈ ગઈ! હૃદય ગદ્-ગદ્ થયું! શરીરના એક-એક રૂવાંટા ઉભા થઇ ગયા! આવી અદ્ભૂત પ્રતિમા ક્યારેય નિહાળી ન હતી! બધીજ પ્રતિમાથી આ પ્રભુ અલગ લાગ્યા - વિશિષ્ટ લાગ્યા! પ્રભુના ધ્યાનમગ્ન-જીવંત નેત્રો જોઈને હું ઘેલો બની ગયો - જાણે પ્રેમનું અમૃતપાન કરાવતી હતી તે આંખ. તે ક્ષણે મારું સંપૂર્ણ અસ્તિત્વ જીવિત પ્રભુમાં ઓગળી ગયું હતું. તે દિવસે મને જીવિત પ્રભુ સાથે Love at first sight થઇ ગયો. જો ફોટા જોઈને આવી દિવ્ય અનુભૂતિ થાય તો પ્રત્યક્ષ દર્શન - સ્પર્શ કરીને શું લ્હાવો મળશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ હતી! તે રાતે મને ઊંઘ ના આવી; મને આભાસ થયો કે હું કેવો અભાગી હતો! પૂર્વ ભારતમાં રહેવા છતાં - ક્ષત્રિયકુંડથી એકદમ નજીક હોવા છતાં હું જીવિત સ્વામી દાદાના દર્શનથી વંછિત રહ્યો હતો! મનમાં સંકલ્પ ધાર્યા અને વહેલી તકે પ્રભુના દર્શન મળે તે માટે શાસન દેવને પ્રાર્થના કરી.
જોત-જોતામાં દિવસો-મહિનાઓ -વર્ષો વીતતા ગયા પણ દાદાએ બોલાવ્યો નહીં. તેમને ભેટવાની તાલાવેલી વધતી રહેતી. પ્રભુને જાણ્યાને ૫-૫ વર્ષો વીત્યા પણ માણવાનો લ્હાવો મળ્યો નહિ. છેવટે શાસન દેવે કૃપા કરી; ઈ.સં. ૨૦૦૮માં પ્રથમ વાર ક્ષત્રિયકુંડના જીવિત દાદા સાથે મિલન થયું. ક્ષત્રિયકુંડના નૈસર્ગિક વાતાવરણમાં પહાડ ચઢવાનો આનંદ કંઈ અનેરો હતો - નદી, નાળા, વનરાજી પાર કરીને જયારે દાદાના દર્શન થયા ત્યારે વર્ષોની તૃષા શાંત થઇ હતી. ૨,૧૩૧ દિવસોથી સેવેલી મનોકામના તે દિવસે પરિપૂર્ણ થઇ હતી. જે નાથને નિહાળવા કાજે દિવસ રાત સપના સેવ્યાં હતા, તે દાદાએ દિવ્ય દર્શન આપ્યા હતા - જાણે દેવાર્યએ સાક્ષાત સામે બિરાજમાન હતા તેવો આભાસ થયો.
જીવિત દાદાનું રૂપ જોઈને તો હું ઘેલો બની ગયો હતો. તેમના શાંતભાવને દર્શાવનારું પીપળના પાનના આકારનું મુખ, ધનુષ્ય આકૃતિ સમાન ભ્રમરો, ઉન્નત મસ્તક શીખા, અંધકારને ચીરતું ભાલતિલક, પોપટની ચાંચ સમી નાસિકા, મોતીની છીપ સમા કુંડળ, કમળની નાજુક પાંખળી જેવા હોઠ, શંખના અગ્રભાગ સમો કંઠ, કેળના ઉપલા થડ જેવા હાથ, ઋષભસ્કંધ સમા ખભા, સાગર સમો ગંભીર ઉદર ભાગ અને ચરણો અને હાથોમાં ઉત્તમ લક્ષણોના ચિત્રણ! શું રૂપ! શું તેજ! શું દેદાર હતો દાદાનો! તેમના એક-એક સોહામણાં અંગો જોઈને મારુ મન નૃત્ય કરતું હતું!
પરમ પૂજ્ય આચાર્ય વિજય શ્રી હેમરત્નસૂરિશ્વરજી મહારાજના શબ્દોમાં કહું તો ~ “સાડાત્રણ ક્રોડ રોમમાં આનંદ સમાતો ન હતો. જબાન અને હોઠ રુકવા તૈયાર ન હતા. અહો! અહો! દીનદયાળ! કૃપાભંડાર! નિરંજન નાથ! અનાથોના નાથ! ગરીબ નવાજ! અશરણ શરણ! તાર તાર તાર દાદા, તાર તાર તાર. નયનો નિમેષ લેવા તૈયાર ન હતા. શબ્દો ખૂટતા ન હતા. જીવનની પરમાનન્દની ઘડીઓ પસાર થઇ રહી હતી. સર્વ આત્મ પ્રદેશોમાંથી, અંતરના ઉંડાણથી પરમાત્માની ભક્તિનો સંજોગ રચાયો હતો. વ્હાલના દર્શનનો-મિલનનો હર્ષ શબ્દોમાં વર્ણવી શકાય તેમ ન હતો. અદ્ભુત રૂપ-દિદારના દર્શન થતાં મનમાં થયું હતું કે, જો મારું ચાલે તો આખી દુનિયાને અહીં તેડી લાવું. ક્ષત્રિયકુંડના ગિરિશિખર પર ઊભો રહીને સહુને બૂમ-પાડીને કહું કે, દુનિયામાં જે જોવા લાયક છે, તે અહીં છે. તમે રૂપ- દર્શન માટે ફાંફા મારવાનું માંડી વાળો અને અહીં આવીને પ્રભુના રૂપસાગરમાં સમાઈ જાવ!”
પરિકરમાં દેવાર્યના બન્ને બાજુ ચામરધારી દેવોનો ચેહરો ઘણો આનંદમય દેખાયો; દેવાર્યની સેવા કરવાનો અભૂતપૂર્વ આનંદ તેમના મુખ પર દેખાતો લાગ્યો. પ્રભુજીની ઉન્નત મસ્તક શિખા ઉપર ભવ્ય ત્રણ છત્ર, આજુ-બાજુ પુષ્પમાળા લઈને આવતા દેવો, તેમના નીચે ડાબી તરફમાં હાથી પર ઉત્કૃષ્ટ દ્રવ્યો સાથે આવતા શ્રી સિદ્ધાર્થ રાજા તથા નંદિવર્ધન, પરિકરની જમણી તરફમાં શયન કરતા ત્રિશલા માતા અને બેન સુદર્શનાના દર્શન થયા. પ્રભુના કમલાસન નીચે પબાસણમાં જમણી-ડાબી બાજુએ રાણી યશોદા અને કુમારી પ્રિયદર્શનાને જોયા. પબાસણની વચ્ચે નૃત્યમુદ્રામાં અંતર્લીન તલવારધારી દેવીનું ચિત્રણ હતું જેમના પગતળે હાથીના મુખવાળો કોઈ પરાજિત દુરાત્મા હતા. દેવીની ઠીક ઉપર એકદમ નાનકડા આકારમાં પ્રભુનું સુંદર લાંછન કોતરવામાં આવ્યું હતું અને દેવીની બંને બાજુ સિંહ શોભાયમાન હતા.
આ બધું વારંવાર નિહાળવા પ્રભુનો દિવ્ય સ્પર્શ કર્યો. એક વાર, બે વાર, ત્રણ વાર પ્રભુજીનો સ્પર્શ મળતો રહે તે આશયથી પૂજા કરી. શ્રી જીવિત સ્વામીનું આલંબન, જગતમાં સૌથી શ્રેષ્ઠ છે તેવી અનુભૂતિ દરેક સ્પર્શે થઈ. દાદાનું એવું ચુંબકીય આકર્ષણ હતું કે તેમને છોડીને જવાનું મન થતું જ ન હતું. બસ એક અફસોસ રહી ગયો; ઘણો ગુસ્સો પણ આવ્યો. પ્રથમવાર ફોટામાં જોયેલા જીવિત સ્વામી દાદાના નિર્વિકાર અને ધ્યાનમગ્ન નેત્રોના દર્શન થી હું વાંછિત રહી ગયો. સાધારણ ચક્ષુઓ દ્વારા દેવાર્યનું નિર્વિકાર તથા ધ્યાનમગ્ન સ્વરૂપ લોકોએ ઢાંકી દીધેલું હતું. શિલ્પ-શાસ્ત્રમાં વાંચ્યું હતું કે હૃદયના સર્વભાવો આંખો દ્વારા પ્રતીત થાય છે - દેવ અધિષ્ઠિત શિલ્પીએ પોતાના પ્રાણ, નેત્ર બનાવવામાં પુરી દીધા હતા, જેને સામાન્ય ચક્ષુઓ દ્વારા ઢાંકી દેવામાં આવ્યા હતા. કેવો દુસ્સાહસ કે લોકોએ પ્રભુનું મૂળ સ્વરૂપ ઢાંકવાનું આવું ઘોર અનર્થ કર્યું હતું!
તે મુલાકાત પછી તો જાણે દાદાએ મારી વાત સાંભળી લીધી -વારંવાર તેમની પાસે મને બોલાવતા. ૨૦૧૧ માં જીવિત સ્વામી દાદાના ૧૮ અભિષેક કરવા- કરાવવાનો અમૂલ્ય લાભ મળ્યો. ખરેખર શું આનંદ હતો - પર્વત ઉપર બસ અમે ૫-૬ જાત્રાળુ અને દાદા, બીજું કોઈ નહીં! તે દિવસે આભાસ થયો કે મારા જેવો બડભાગી આ જગતમાં બીજો કોઈ નહિ હોય! દેવોને કહેવાનું મન થયું કે દાદાનો જન્માભિષેક કરવાનો લાભ માત્ર તમને જ નથી મળ્યો... તે ક્ષણો માણવાનો આનંદ મેં પણ આજે લઇ લીધો છે! શું ધન્ય ઘડી હતી એ! શું એ અમૂલ્ય ક્ષણો હતી! ૨૦૧૮માં પ્રભુએ ફરી કૃપા કરી. તેમના ચ્યવન કલ્યાણકના શુભ દિને તેમની દિવ્ય પ્રતિમાજી પર શક્રેન્દ્ર દ્વારા અર્પિત શ્રી વર્ધમાન શક્રસ્તવના અભિષેક કરવા-કરાવવાનો લાભ આપ્યો. ૨૦૨૧માં પણ ફરી નવનિર્મિત જિનાલયના વર્ષગાંઠ પ્રસંગ નિમિત્તે શક્રસ્તવ અભિષેક કરાવવાનો લાભ મળ્યો. ખરેખર, ઘણી વાર લાગે છે કે દાદાએ મારા પર કેવી મહતી કૃપા કરી છે - તેમના કેટ કેટલા ઉપકાર છે મારા પર…!
પણ આ સમયગાળામાં જીવિત સ્વામી પ્રભુની પ્રતિમા સાથે એવું ઘણું બધું થયું જે યોગ્ય ન હતું. ઈ.સં. ૨૦૧૨થી લઈને ૨૦૨૧ સુધી અનેક વાર દાદાને ભેટવાના અવસર મળ્યા, અને દર મુલાકાતમાં એમના સ્વરૂપ સાથે છેડછાડ જોવા મળતી. કોક વાર ચક્ષુઓ બદલાય, તો કોક વાર બાજુના ચામરધારી દેવોને પણ ચક્ષુ ચોંટાડી દેવામાં આવે. કોક વાર ભ્રમરોને લાલ રંગ કરવામાં આવે તો કોક વાર હોઠ રંગાઈ જાય! લેપના નામે પરિકરમાં રહેલ કેટ-કેટલી ઝીણી કોતરણી ઢંકાતી રહેતી અને લેપના થર નીચે પ્રભુના કેશની જટાઓ પણ ઝાંખી પડવા લાગી. હાલમાં પ્રભુના ભ્રમરો અને હોઠના રંગને ફરી ઉતારવામાં આવ્યો અને અમુક દિવસ પહેલા ભેટો થયો તો જોવા મળ્યું કે પ્રભુનો જમણો ભ્રમર સ્પષ્ટ રૂપે ખંડિત થયો છે! જોઈને જીવ એવો દ્રવિત થયો કે તેની વેદના શબ્દોમાં ઉતારવી અશક્ય છે. જે પ્રતિમાજી સાક્ષાત પ્રભુ મહાવીરનું રૂપ બતાવતી હોય, જે પ્રતિમાનું નિર્માણ સ્વયં પ્રભુના ભ્રાતા દ્વારા થયું હોય, તેની સાથે કોઈ આવું કઈ રીતે કરી શકે? કેવું દુષ્કૃત્ય! કેવો દુસ્સાહસ! ઈસ્વી સન.૨૦૧૫માં જીવિત સ્વામી પ્રભુની પ્રતિમા ચોરી થયા અને પાછા મળ્યા પછીના સમયમાં પણ પ્રતિમાજી પર કોઈ નુકસાન દેખાતું નથી. આ સંપૂર્ણ નુકસાન તેના પછીના સમયમાંજ જોવા મળ્યું છે.
પ્રભુનું મૂળ ધ્યાનમગ્ન સ્વરૂપ (વચ્ચે) અને નિરંતર બદલાતા ચક્ષુઓ દ્વારા પ્રભુના ધ્યાનમગ્ન સ્વરૂપને થતી હાનિ
|
જીવિત સ્વામી પ્રભુની જટાને લેપ દ્વારા થતું નુકસાન (ઉપર: ૨૦૧૨ ની તસ્વીર; નીચે ૨૦૨૦ ની તસ્વીર) |
ભામંડળની લેપ દ્વારા ભુંસાતી કોતરણીઓ (ડાબે: ૨૦૧૨ ની તસ્વીર; જમણે: ૨૦૨૦ ની તસ્વીર) |
૨૮ નવેમ્બર ૨૦૧૫. વહેલી સવારે ફોનની રિંગ સતત વાગી રહી હતી. ઊંઘમાં હોવાથી એક-બે વાર તો કોલ ઉપાડ્યો નહિ પણ જયારે રિંગ બંધ ન થઇ તો ના છૂટકે ફોન રિસીવ કર્યો. સામેથી હેમલભાઈના શબ્દો સાંભળીને મગજ સુન-મુન થઇ ગયું; "જીવિત સ્વામી પ્રભુની પ્રતિમા રાત્રે ચોરાઈ ગઈ છે! તારા પાસે પ્રતિમાના ફોટા હોય તો મોકલાવ, બધા પોલીસ સ્ટેશનમાં પહોંચાડવાના છે". શરીરથી એક ધ્રુજારી પસાર થઇ; મનમાં વિશ્વાસ ન બેઠો, ફરી પૂછ્યું, એજ જવાબ મળ્યો. હું સ્તબ્ધ બની ગયો.
વેદના, આક્રોશ, લાચારી, બેબસી... તે સમયે મારા મનની વ્યથાનું વર્ણન કરવા આ બધા શબ્દ અસમર્થ હતા. જાણે આખા જૈન સંઘને રાતોરાત અનાથ કરી દીધો હોય તેવો માહોલ બની ગયો હતો. એક-એક દિવસ પસાર થતા હતા - પોલીસ, પ્રશાસન, ગુરુભગવંતો ઘણા સક્રિય બન્યા હતા; છતાં પણ કોઈ હકારાત્મક સમાચાર આવતા નહિ. સંઘોમાં ઠેર-ઠેર આયંબિલ થયા, લોકોએ માળાઓ ફેરવી - માનતાઓ માની, છતાં પ્રભુનો કોઈ સંકેત મળતો નહિ. તે ક્ષણે એમ થયું, જો પ્રભુ સાચ્ચે હંમેશ માટે દૂર થઇ જશે તો મારું શું થશે? હું દાદાને ફરી નહિ મળી શકું! અગર પ્રભુ દૂર વયા જશે તો કઈ રીતે તેમના સાક્ષાત રૂપનું આલંબન મને મળશે?
હજુ દિવસો ગયા. પ્રશાસનથી પ્રતિમાના કોઈ સમાચાર મળતા નહિ. કોઈ કહેતું પ્રતિમાને બોર્ડર પાર નેપાલમાં લઇ જવામાં આવી ગઈ હશે તો કોઈ કહેતું કે દાદાને ક્ષત્રિયકુંડમાંજ ક્યાંય છુપાવીને રાખવામાં આવ્યા હશે. કોના પર વિશ્વાસ મુકવો? કોઈ કહેતું કે નક્સલવાદીઓ પ્રભુને લઇ ગયા હશે તો કોઈ કહેતું સ્મગ્લરો ચોરી ગયા હશે. કોઈ વહીવટદારોની બેદરકારીને દોષ આપતું, તો કોઈ આ સંપૂર્ણ ઘટનાને એક આંતરિક ષડયંત્રનું રૂપ આપતું. કશું સમજાતું ન હતું. આ વેદનાના પ્રવાહમાં મનમાં સંકલ્પ કર્યો. જીવિત દાદા હવે પાસે જુવે છે; સાક્ષાત જુવે છે. કોઈ મારા જીવિત દાદાને મુઝથી દૂર ન લઇ જાય શકે એવું કંઈ થાય તો? હવે એવું કઈં કરવું છે કે જીવિત સ્વામી દાદા સદૈવ પ્રત્યક્ષ રહે, હાજરાહજૂર રહે. જીવનમાં ક્યારેય પણ શાસનદેવ મને આ કાર્ય માટે સહાય કરશે તો કન્હૈયાલાલ શેઠ જેવી ભાવના રાખીશ - જીવિત દાદાની પ્રતિકૃતિ બનાવીશ. આ મનનો એક નિખાલસ નિશ્ચય હતો; કોઈ પ્રેકટીકેલીટી વિચાર્યા વિનાનો.
આ સંકલ્પના બીજા દિવસે સમસ્ત સંઘમાં ખુશીની લહેર દોડી - સમાચાર આવ્યા કે પ્રભુ પાછા મળી ગયા છે. ખોવાયેલી અવસ્થામાં પણ પ્રભુ પૂજિત રહ્યા - નવાંગે કેશર આદિના નિશાન એનું સૂચન કરતા હતા! પ્રભુના દીક્ષા કલ્યાણકના શુભ દિવસે, ૬ ડિસેમ્બરના રોજ પ્રભુ તળેટી નજીક લછવાડના જિનાલયમાં પધાર્યા. કેવો અદ્ભૂત સંયોગ હતો - દૈવી સંકેત અથવા માનવ સર્જન? કહેવું અઘરું લાગ્યું. છતાં પ્રભુ પાછા મળ્યા એ જાણીને રાહત મળી; જીવમાં જીવ ફરી આવ્યો. પ્રભુને મળવા, ભેટવા હવે પડાપડી થવા લાગી - જાણે લોકોને દાદાની મહિમાનો અનુભવ આ ઘટના બાદ થયો હોય.
પ્રભુ પાછા મળ્યા અને મારા મનનો સંકલ્પ ઢીલો પડ્યો. જયારે-જયારે ક્ષત્રિયકુંડ જવાનું થાય ત્યારે-ત્યારે દાદાને ભેટતા સંકલ્પ યાદ આવે. દાદાથી નજરો મિલાવવાની હિમ્મત ન થતી - એવું લાગતું કે હમણાં દાદા ઠપકો આપશે - હું મળી ગયો તો સંકલ્પ ભૂલી ગયો? આમને આમ ચાલતું રહ્યું. દિવસો, મહિનાઓ, વરસો વીત્યા.
એપ્રિલ ૨૦૨૦- મારા મિત્ર, હાર્દિકભાઈએ પોતાના ગૃહમંદિર માટે જયપુરના કારીગર દ્વારા નિર્મિત આરસ પાષાણમાં દર્શનીય પ્રતિમાઓનું નિર્માણ કરાવ્યું. ફોટા બતાવ્યા; પ્રતિમાઓ મનમોહક હતી. મને મારો લગભગ પાંચ વર્ષ પહેલા લીધેલ સંકલ્પ યાદ આવ્યો; હાર્દિકભાઈને વાત કરી, તેમણે શિલ્પી સાથે પરિચય કરાવ્યો. શિલ્પીને પૂરો પ્લાન આપ્યો - જીવિત સ્વામી પ્રભુના એક-એક અંગોના ફોટા, ચિત્રણ આદિ મોકલાવ્યા. તેમને ખુબ આત્મવિશ્વાસ હતો કે કાળા આરસમાં જીવિત સ્વામી પ્રભુની પ્રતિમાની પ્રતિકૃતિ નિર્માણ કરી આપશે. મને સેમ્પલ આદિ બીજી પ્રતિમાઓમાં કરેલ કામ બતાવ્યું. ઘણા દિવસ ચર્ચા ચાલી; તેમનું કામ વ્યવસ્થિત જોયું, તેમની પદ્ધતિ વિસ્તારથી જાણી પણ તેમની કળામાં પ્રાચીન શિલ્પની છટા ઓછી દેખાણી એટલે વાત આગળ ન વધી.
૨૪ ફેબ્રુઆરી ૨૦૨૧- ક્ષત્રિયકુંડ તીર્થાધિપતિ શ્રી જીવિતસ્વામી દાદાના નવનિર્મિત જિનાલયની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે શ્રી વર્ધમાન શક્રસ્તવ અભિષેક કરાવવાનો લાભ મળ્યો. દાદાની સામે બેસીને તેમના એક-એક વિશેષણો ગાવાનો અવસર મળ્યો. દાદાનું સ્વરૂપ જોઈને મન મલકાતું, વિશેષણોના ઉચ્ચારણમાં હય્યુ ગદ્-ગદ્ બનતું; પણ તેમની પ્રતિમા પર થયેલ ક્ષતિઓ જોઈને હૃદય દ્રવિત થતું; અંતરમાં સંકલ્પ ન પૂરો કરવાની વેદના થતી. બધા ઈમોશન એક સાથે ઉભરાણાં હતા - એક તરફ અભિષેકની ધારા પ્રભુના મસ્તક પર વહેતી અને બીજી તરફ મારી આંખોમાંથી અશ્રુની ધારા. તે સમયે, તે ક્ષણે, પ્રભુના વિશેષણો ગાતા-ગાતા, પ્રભુ પર અભિષેકની ધારા જોતા-જોતા નિશ્ચય કર્યો કે જ્યાં સુધી જીવિત દાદાની પ્રતિકૃતિરૂપ પ્રતિમાનું નિર્માણ ન કરું ત્યાં સુધી બધી મીઠાઈનો ત્યાગ કરીશ.
શિલ્પીની શોધમાં
ક્ષત્રિયકુંડની ધન્ય ધરાથી કલકતા પાછા આવ્યા બાદ, મારા સંકલ્પને પૂર્ણ કરવા અનેક શિલ્પીઓ સાથે સંપર્ક કર્યો. જયપુર- જબલપુરના આરસ પાષાણના કલાકારો, કર્ણાટક- રાજસ્થાનનાના પ્રસિદ્ધ ગ્રેનાઈટના શિલ્પીઓ અને પાલીતાણા, સિક્કિમ, ધર્મશાલા આદિના પ્રસિદ્ધ ધાતુ પ્રતિમાના કારીગરો સાથે વાત થઇ. બધાને ફોટા, સ્કેચ આદિ વિગતો મોકલાવીને જીવીત સ્વામી દાદાનો વિસ્તૃત પરિચય આપ્યો; મારો પ્લાન અને વિઝન બતાવ્યા. કોઈ પણ પ્રતિમા બનાવવા તૈયાર ન હતા. શિલ્પીની ખોજમાં દિવસો નીકળતા ગયા. જીવિત દાદાની પ્રતિમાની પ્રતિકૃતિ બનાવવાનો પ્રયાસ પૂર્વે અનેક વાર થયો હતો. તે બધાની શોધ કરી, એ પ્રતિમાઓના અમુક શિલ્પીઓ સાથે પરિચય કર્યો, ફોટા મંગાવ્યા; પણ બધી પ્રતિમાઓમાં મૂળ પ્રતિમાજીનું વ્યવસ્થિત સ્વરૂપ દ્રષ્ટિગોચર ન થયું.
જીવિત સ્વામી પ્રભુ જેવી પ્રતિમા બનાવવાના થયેલ અનેક પ્રયાસો |
આમ ઘણા દિવસ શોધ ચાલતી રહી પણ કોઈ કુશળ શિલ્પી સાથે મેળ ન પડ્યો. મે (May) મહિનાની ૧૮ તારીખે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોતા, "Lost -Wax casting[3]" શૈલી દ્વારા એક શિલ્પ નિર્માણનો વિડીયો જોયો. ખુબ બારીકીથી ધાતુમાં શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની પ્રતિમા શિલ્પીએ ઘડી હતી. શ્રી કૃષ્ણના વાળ, આંખો, મુખ, હોઠ આદિ જીવંત લાગતા હતા. શિલ્પી હતા ચેન્નાઇના શ્રી વિનેશ વિજયન. તેમની વેબસાઈટ શોધી; અન્ય શિલ્પો જોયા, કલાકારી સમજી. તેમનો સંપર્ક સાધ્યો. ફોટા, સ્કેચ આદિ વિગતો મોકલાવીને મારો પ્લાન મોકલાવ્યો. લગભગ ૭ દિવસના વિચાર વિમર્શ અને ચર્ચા બાદ તેઓએ જીવિત સ્વામી પ્રભુની ધાતુમાં ૧૧ ઇંચના માપની પ્રતિમા (પરિકર વિનાની) બનાવવાની સ્વીકૃતિ આપી; આશ્વાસન આપ્યું કે જીવિત સ્વામી પ્રભુની પ્રતિકૃતિ બનાવવાનો પ્રયાસ કરશે.
જીવિત સ્વામી પ્રભુની વર્તમાન પ્રતિમાઓથી ભિન્નતા
આજે શ્રી જૈન શ્વેતાંબર સંઘમાં, શ્રી જીવિત સ્વામી પ્રભુ જેવી પ્રતિમા પ્રાયઃ જોવા મળતી નથી. શ્રી જીવિત સ્વામી પ્રભુની મૂર્તિકળા પ્રાચીન પરંપરાને અનુસરે છે; જેથી એ વર્તમાનની પ્રતિમાઓથી ઘણી જુદી પડે છે. વર્તમાન શ્વેતાંબર પરંપરામાં પ્રચલિત મૂર્તિમંડન પદ્ધતિ અને શ્રી જીવિત સ્વામી પ્રભુના મૂર્તિમંડન વચ્ચેની વિભિન્નતા નિમ્નલિખિત વાતોથી જણાય છે-
ઉન્નત મસ્તક શિખા - શ્રી જીવિત સ્વામી પ્રભુની મસ્તક શિખા અવળા મુકેલા શ્રીફળ જેવી છે. મુખથી ૧૨ અંગુલ ઉપર છે. ભાલ પ્રદેશથી વાળના વલયો ફરતા-ફરતા છેક ઉપર શિખા સુધી જાય છે. છત્રાકાર મસ્તકનો ભાગ મસ્તકની ઉપર ઉષ્ણીષ અનુક્રમે ઉન્નત છે. પ્રભુના કેશ વાંકડિયા - દક્ષિણાવર્ત ફરતા વર્તુળોમાં સ્પ્રીંગની જેમ ગોઠવ્યા છે. આકોટા (બરોડા) થી પ્રાપ્ત પાંચમી સદીની પ્રતિમાઓ, પિંડવાડામાં બિરાજમાન (વસંતગઢથી પ્રાપ્ત) આઠમી સદીની પ્રતિમા, નાંદિયાના જીવિત સ્વામી પ્રભુ, પટના સાહેબ અને કુંડલપુરમાં (નાલંદા) બિરાજમાન શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમાઓ, નાડલાઈમાં (રાજસ્થાન) ગિરનાર ટેકરી ઉપર બિરાજમાન શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા, ઉદયપુરના વાસુપૂજ્ય સ્વામી જિનાલયમાં બિરાજમાન પ્રાચીન પાર્શ્વનાથ પ્રભુ આદિ અનેક પ્રાચીન પ્રતિમાઓમાં પ્રભુની ઉન્નત મસ્તક શિખાના દર્શન થાય છે.
હાલની મૂર્તિઓમાં ઉન્નત મસ્તક શિખા બનાવવામાં આવતી નથી. મસ્તકનો ભાગ જરીક ઊંચો જઈને પછી તરત જ રાઉંડ થઇ જાતો જોવાય છે - મસ્તકનો ભાગ અધોમુખ કરેલા કટોરા જેવો રખાય છે અને ઉષ્ણીષ માત્ર અંગુઠા/ ખરેખ/ સોપારી જેવો મુકાય છે. પ્રભુના કેશ માળાના મણકાની જેમ ત્રણ અથવા પાંચ લાઈનમાં દાણાની જેમ મુકાય છે. મસ્તક અડધું કેશ વાળું અને અડધું મૂંડ રાખવામાં આવે છે.
શ્રી જીવિત સ્વામી પ્રભુના મુખારવિંદનો સ્કેચ |
ભ્રમરો - શ્રી જીવિત સ્વામી પ્રભુના ભ્રમરોની વિશેષતા છે કે તે નાસિકાના ઉપરના મૂળભાગથી શરુ થઈને ઉડતા પક્ષીની જેમ પહેલા એકદમ સીધી લાઈનમાં મસ્તક તરફ ઊંચી જાય છે અને કાન તરફ લંબાતી જાય છે જયારે નેત્રોના મધ્યભાગે આવે છે. ત્યાંથી કાન પ્રતિ વળાંક લઇ લે છે. સામાન્ય શબ્દોમાં કહેવાય તો શ્રી જીવિત સ્વામી પ્રભુના ભ્રમરો ધનુષ્યનાં આકાર જેવા લાગે છે અને ભાલ પ્રદેશનું તિલક અને નાસિકાની દાંડી ભેગા મળીને ધનુષ્યની વચ્ચેથી ઉર્ધ્વગતિ કરતા તીરની ભ્રાંતિ કરાવે છે. વર્તમાન મૂર્તિમંડનમાં ભ્રમરોને સામાન્ય વળાંક દેવામાં આવે છે અને તેના ઉપર પણ ચક્ષુઓની જેમ બાહ્ય ભ્રમરો ચોંટાડવામાં આવે છે.
આંખો/ નેત્રો - શ્રી જીવિત સ્વામી પ્રભુની પ્રતિમામાં લગભગ ઈસ્વી. સન ૧૯૮૫ સુધી બાહ્ય ચક્ષુઓ ચોંટાડવામાં આવતા ન હતા અને મૂળ ધ્યાનમગ્ન સ્વરૂપમાં પ્રભુની પૂજા થતી હતી. તે સમયના પ્રાપ્ય ફોટાઓના આધારે સમજાય છે કે પ્રભુના નેત્રો અમુક અંશે ઢળેલા છે અને ઉત્કૃષ્ટ ધ્યાનમાં હોવાથી શિલ્પીએ પ્રભુની કિકી દર્શાવી નથી. જીવિત સ્વામી પ્રભુના નેત્રો ચરમભાગે છેક કાન સુધી પહોંચેલા છે એટલે ફ્રંટમાંથી દર્શન કરીએ તો મુખ ઉપર નાકના મૂળભાગથી નેત્રો શરુ થાય છે અને નેત્રો પૂર્ણ થયા પછી સીધા કાન જ નજરમાં આવે છે. આજે પણ ચોંટાડેલા ચક્ષુની પાછળ કાન સુધીના મૂળ નેત્રોના દર્શન આંશિક રીતે થાય છે.
શ્રી જીવિત સ્વામી પ્રભુની આંખોની કલાકૃતિ (ચિત્રાંકન: શ્રી પારસભાઈ શાહ) |
વિશેષ: દિગંબર પરંપરાની પ્રતિમાઓમાં પ્રભુના નેત્રો નાસિકા પર કેન્દ્રિત હોય તેવા બનાવવામાં આવે છે[4]; પરંતુ શ્રી જીવિત સ્વામીની પ્રતિમામાં નેત્રોની કિકી દર્શાવવામાંજ આવી નથી - અર્થાત્, પ્રભુની કિકી આંખો ઉપર ધ્યાનમગ્ન છે, નાસિકા પર કેન્દ્રિત નથી, એટલે ચક્ષુ વિના આ પ્રતિમાજીને દિગંબર પરંપરાની સમઝવી ઉચિત નથી.
વર્તમાન શ્વેતાંમ્બર પરંપરામાં પ્રભુના ધ્યાનમગ્ન નેત્રો રાખવાની પરંપરા વિલુપ્ત થઇ ગઈ છે. તદુપરાંત મૂળ કોતરેલા નેત્રો ઉપર સ્ફટિક, ડાયમંડ, કાચ અથવા મીનાકારીના બાહ્ય ચક્ષુઓ ચોંટાડવામાં આવે છે. આ ચક્ષુઓથી આંખો ધ્યાનમગ્ન નહીં પણ સંપૂર્ણ ખુલ્લી દેખાય છે.
પ્રખર ઇતિહાસકાર અને સંશોધક, પ. પૂ. મુનિ શ્રી કલ્યાણવિજયજીના અનુસાર શ્વેતાંબર પરંપરામાં બાહ્ય નેત્ર (ચક્ષુઓ) ચોંટાડવાનું પ્રમાણ કોઈ શાસ્ત્રમાં પ્રાપ્ત થતું નથી. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ દ્વારા ઈસ્વી. ની ૮મી સદીમાં રચિત શ્રી સંબોધ પ્રકરણમાં પૂજાના ૧૭ પ્રકારોમાં 'વત્થુજુઅલં' નો ઉલ્લેખ છે (જે વસ્ત્રયુગલને સૂચવે છે). પરંતુ ઈસ્વી. ની ૧૫મી સદીમાં રચિત શ્રી શ્રાદ્ધવિધિકૌમુદીમાં ઉદ્ધરેલી તેવાજ ભાવની ગાથાઓમાં 'વત્થુજુઅલં' ના સ્થાને 'ચક્ખુજુઅલં' દાખલ થયું છે, જેના કારણે ચક્ષુર્યુગલ પૂજા તૈયાર થઇ ગઈ. તેમના અનુસાર શ્વેતાંબર પરંપરામાં બાહ્ય નેત્ર (ચક્ષુઓ) ચોંટાડવાની પ્રથા ઈસ્વી. ની ૮મી સદીથી લઈને ૧૫મી સદી વચ્ચે શરુ થઇ છે.
અહીં નોંધનીય છે કે પ્રભુની અંજનશલાકા બાહ્ય ચક્ષુઓ પર નહિ પરંતુ મૂળ કોતરેલા નેત્રો ઉપરજ થાય છે, જેના ઉપર ચક્ષુઓ ચોંટાડવામાં આવે છે. પ્રાચીન શ્વેતાંબર પ્રતિમાઓમાં અડધા બંધ નેત્રો, ધ્યાન મગ્ન નેત્રો આદિ જોવા મળે છે. દાંતા-અંબાજીથી સંપ્રાપ્ત ૭૦૦ વર્ષ પ્રાચીન ઉભી બે પ્રતિમાજીઓ, કોબા મ્યુઝમમાં, બરોડા મ્યુઝયમમાં, મહુડીથી પ્રાપ્ત ગુજરાતની સહુથી પ્રાચીન પ્રતિમાજી અને પિંડવાડાની શ્રી ઋષભદેવ ભગવાનની પ્રતિમા, પુરુલિયાના પાર્શ્વનાથ ભગવાન આદિ અનેક પ્રતિમાઓ ધ્યાનમગ્ન છે. આ બધી પ્રતિમાઓમાં નેત્રો ધ્યાનમગ્ન છે અને ૮૦ ટકા બંધ છે; પરંતુ કછોટો કંદોરો પણ સ્પષ્ટ દેખાય છે. આચાર્ય શ્રી હેમરત્નસુરીશ્વરજી મહારાજે પણ ફરમાવ્યું છે કે પ્રભુની આંખ બંધ હોય તો મૂર્તિ દિગંબર છે એવી ધારણા બાંધવી યોગ્ય નથી.
કર્ણ - શ્રી જીવિત સ્વામી પ્રભુની પ્રતિમાને સામેથી જોવાથી લાગે કે કર્ણયુગલ હલકા વળાંક સાથે ઉભી બે પટ્ટીઓ જેવા કોતરવામાં આવ્યા છે. સાઈડથી જોવાથી મોતીની છીપ જેવા દેખાય છે. કર્ણયુગલમાં કોઈ પણ આભૂષણ (કુંડળ) કોતરવામાં નથી આવ્યા. હાલની શ્વેતાંબર પ્રતિમાઓમાં નેચરલ કાનનો આકાર આપવામાં આવે છે અને કર્ણયુગલ નીચે કુંડળ પણ કોતરવામાં આવે છે.
શ્રી જીવિત સ્વામી પ્રભુના કર્ણ |
શ્રીવત્સ - શ્રી જીવિત સ્વામી પ્રભુની પ્રતિમામાં શ્રીવત્સ કોતરેલો નથી. પૂર્વભારત તથા દક્ષિણની અનેક પ્રાચીન જૈન પ્રતિમાઓમાં શ્રીવત્સ કોતરેલો જોવા મળતો નથી. તીર્થંકર પ્રભુની પ્રાચીન તથા અર્વાચીન પ્રતિમાઓમાં છાતી પર શ્રીવત્સ (પ્રાકૃતમાં સિરિવચ્છ) નું અંકન કરવામાં આવે છે. ઇતિહાસકારો મુજબ ઈસ્વી. ની પહેલી સદીથી મથુરાના શિલ્પીઓ દ્વારા શ્રીવત્સ અંકન કરવાની પ્રથા પ્રારંભ થઇ. શ્રી ઔપપાતિક સૂત્ર, શ્રી ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર આદિ ગ્રંથોમાં ‘શ્રીવત્સ’ ના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. ‘શ્રીવત્સ’ શબ્દ બે શબ્દો, ‘શ્રી’ (શ્રીદેવી) અને ‘વત્સ’ (ધન્ય વ્યક્તિત્વ) નું સંયોજન છે; જે સૂચવે છે કે સર્વોચ્ચ જ્ઞાન, તીર્થંકરના હૃદયમાંથી પ્રગટ થાય છે. મહાપુરુષોએ એમ પણ જણાવ્યું છે કે 'શ્રીવત્સ', એ છાતીનો એક ઉંચો ભાગ છે જ્યાં (છાતીના) વાળ સુંદર રીતે જમણી બાજુએ વળાંકવાળા એક ઉપેસલા સમૂહની રચના કરે છે જે તેમના હૃદયમાં રહેલા ઊંડા જ્ઞાનને દર્શાવે છે.
કંદોરો - શ્રી જીવિત સ્વામી પ્રભુની પ્રતિમામાં કંદોરો કોતરવામાં નથી આવ્યો. એનો અર્થ એ નથી કે એ દિગંબર અવસ્થામાં છે; કારણકે પ્રતિમામાં ક્યાંય નગ્નતા પણ દ્રષ્ટિગોચર નથી થતી. શ્રી ઔપપાતિક સૂત્ર અનુસાર નિર્વસ્ત્ર હોવા છતાં પ્રભુનું પુરુષચિહ્ન કુળવાન અશ્વની જેમ અત્યંત ગુપ્ત હોય છે - તેજ રીતે આ પ્રતિમામાં કંદોરો ન હોવા છતાં નગ્નતા દર્શાવવામાં આવી નથી. પ્રાચીન કાળમાં શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયની પ્રતિમાઓમાં ભેદ ન હતા. મથુરાના ૩,૦૦૦ વર્ષ પ્રાચીન સ્તૂપના અવશેષોથી પણ જાણવા મળે છે કે ઈસ્વી. ની ત્રીજી સદી સુધી વસ્ત્રધારી સાધુઓ (જેઓ પાત્રા, ચોલપટ્ટો તથા ઓઘાનો ઉપયોગ કરતા હતા તથા જેમના ગણ, શાખા અને કુળોના નામ શ્રી કલ્પસૂત્ર સ્થવિરાવલીમાં મળે છે) દ્વારા તીર્થંકર પ્રભુની નિર્વસ્ત્ર પ્રતિમાજીઓની સ્થાપના કરવામાં આવેલ છે. હલસી ગામથી (કર્ણાટક) પ્રાપ્ત થયેલ ઈસ્વી. ની પાંચમી સદીના રાજા મૃગોશવર્મનના તામ્ર અભિલેખોથી પણ સ્પષ્ટ થાય છે કે દિગંબર, યાપનીય તથા શ્વેતાંબર સંઘના આરાધકો એકજ જિનબિંબની આરાધના કરતા હતા.
વર્તમાન શ્વેતાંબર પરંપરાની દરેક મુદ્રાઓની પ્રતિમામાં (પદ્માસન/ કાર્યોત્સર્ગ/ પ્રવચન/ ગૌદોહીક આસન મુદ્રા) કંદોરો-કટિસૂત્ર- કછોટો કોતરવામાં આવે છે. શ્રી પ્રવચનપરીક્ષા ગ્રંથમાં ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજીએ જણાવ્યું છે કે ગિરનાર તીર્થની માલિકી અંગે દિગંબરો અને શ્વેતાંબરો વચ્ચે જે વિવાદો ઉત્પન્ન થયા, તેના પછી (આચાર્ય બપ્પભટ્ટસૂરિના સમયમાં) શ્વેતાંબર પરંપરાની બધીજ મૂર્તિઓમાં સ્પષ્ટ વાસ્ત્રાંકન કરવાની પ્રથા પ્રારંભ થઇ. કાળાન્તરે ભવિષ્યમાં વિવાદનું કારણ ન બને તે માટે પૂજ્ય ગુરુભગવંતોએ શ્વેતાંબર જિનપ્રતિમાજીમાં કટિસૂત્ર-કંદોરા તથા કછોટા કોતરવાની પ્રથા શરુ કરી.
લક્ષણો - શ્રી જીવિત સ્વામી પ્રભુની પ્રતિમાની હથેળી અને પગના તળિયામાં ખુબ નાજુક લક્ષણો કોતરેલા છે. વર્તમાન પ્રણાલિકામાં માત્ર અમુક જ પ્રતિમા માંજ લક્ષણો કોતરવામાં આવે છે.
શ્રી જીવિત સ્વામીના હાથ અને પગમાં સુંદર લક્ષણ |
આ બધી વિશેષતાઓ અને ભિન્નતાઓને ધ્યાનમાં રાખીને મૂળ પ્રતિમા સાથે સંપૂર્ણ વફાદારી રાખીને આ નૂતન પ્રતિકૃતીનું નિર્માણ કરવાનું નક્કી કર્યું. મૂળ શિલ્પના મૂર્તિમંડનથી કઈં પણ નવો ઉમેરો અથવા બાદબાકી કરવું ન હતું. શ્રી વિનેશજી અને તેની પહેલા મળેલ બધા શિલ્પીઓ/ કારીગરો સાથે ઉપર અપાયેલ વિગતો, વિશેષ પ્લાન તથા શ્રી જીવિત સ્વામી પ્રભુના ફોટા, સ્કેચ આદિ વિગતો મોકલવામાં આવી હતી.
૨૫ મે (May) ૨૦૨૧ના રોજ શિલ્પી શ્રી વિનેશજીએ જીવિત સ્વામી પ્રભુની પ્રતિકૃતિ બનાવવાની સ્વીકૃતિ આપી હતી પરંતુ અનેક વ્યવહારિક કારણોથી ૩૦ ઓક્ટોબર સુધી કામ આગળ ન વધ્યુ. કદાચ શુભ દિવસેજ આ કાર્યની શરૂઆત થવાની હશે એટલે વિલંબ થયો - શાસનદેવની અસીમ કૃપાથી પ્રભુ શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ કલ્યાણકના પાવન અવસરે (દિવાળી - ૪ નવેમ્બર ૨૦૨૧) આ સેવેલા મનોરથનો પ્રારંભ થયો. શ્રી વિનેશજીએ પ્રતિમાનો પરિમાણ સાથે પ્રારંભિક સ્કેચ બનાવ્યો. મૂળ પ્રતિમાના પરિમાણ અનુસાર તેમની લઘુ પ્રતિકૃતિ ૧૧ ઇંચમા નિર્માણ થશે, તેમાં પ્રભુનું મુખ ૨.૫ ઇંચ પ્રમાણનું બનશે તે નક્કી થયું.
પ્રતિમાનો પરિમાણ સાથે પ્રારંભિક સ્કેચ |
૧૫ નવેમ્બર ૨૦૨૧ના રોજ પ્રતિમાજીના ક્લે (માટીના) મોડલનું કાર્ય શરુ થયું. તે દિવસે દેવાધિદેવ જીવિત પ્રભુની પ્રતિમાનો પ્રથમ આકાર બનવાની ખુશી-ઉત્સાહમાં આયંબિલ કર્યું - મિષ્ટાન્નનું વિતરણ કર્યું. વિનેશજીએ પ્રથમ wire armature બનાવ્યું જેના માળખા પર water based clay લગાવવામાં આવી. આ clay સુકાતા અમુક દિવસ લાગ્યા. તેના ઉપર synthetic clay લગાવી આકાર આપવાનું કાર્ય શરુ થયું.
પ્રતિમાજીનું wire armature |
wire armature ઉપર ક્લે મોડેલિંગ |
૬ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ પ્રભુના મૉડેલનો પ્રથમ કાચો આકાર નિર્માણ પામ્યો. તે મૉડેલના મુખના આકારને પહોળો કરવાની, ખભા અને હાથને સાંકડા અને ચરણોને વધુ માંસલ કરવાની આવશ્યકતા જણાઈ. અનેક નાની ખામીઓ હોવાથી તેમાં ઘણા સુધારા કરાવ્યા જેને પૂર્ણ કરતા કરતા ૨૧ ડિસેમ્બર થઇ ગઈ. સુધારાઓ કરવા છતાં પણ મુખનું શરીર સાથેનું પ્રમાણ, ઉષ્ણીષનો આકાર, ભ્રમરો, કુંડળ અને ચક્ષુઓ આદિમાં ઘણી ખામીઓ લાગી. ભાષાકીય અવરોધ હોવા છતાં શિલ્પીને બધું સમજાવ્યું, એક-એક આકારના ફોટા ઝૂમ ક્રરીને મોકલ્યા, વિડિઓ કોલમાં સમજાવ્યા. આ સમસ્ત સુધારા કરતા-કરતા મહિનાઓ નીકળી ગયા અને ૪થી ફેબ્રુઆરી ૨૦૨૨ના દિવસે, પાકું મૉડેલ નિર્માણ પામ્યું. તેમાં પણ કમલાસનનું કાર્ય બાકી હતું અને બારીક કામમાં ઘણી ભૂલો રહી ગઈ લાગી - ખાસ કરીને ચક્ષુ અને કર્ણમાં. તે બધું ફરી વિશેષ રૂપે જણાવ્યું અને સુધારા કરવા વિનંતી કરી.
પ્રભુ પ્રતિમાના મૉડેલનો પ્રથમ કાચો આકાર |
ક્લે મોડેલમાં ચાલતા સુધારા |
સંપૂર્ણ સુધારા પછીનું ક્લે મોડલ |
ક્લે મૉડેલના નિર્માણની પુર્ણાહુતી બાદ બીજી મેં (2-5-2022) ના રોજ પ્રતિમાનું બીબું બનાવવાનું કાર્ય શરુ થયું. ક્લે મૉડેલ ઉપર મીણનું મૉડેલ તૈયાર થયું જેના પછી ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગની પ્રક્રિયા ચાલુ થઇ જેથી સીરામીકના આવરણયુક્ત સિમેન્ટના માળખાંમાં બીબું તૈયાર થયું. એકવાર સિરામિક સિમેન્ટનું માળખું સખત થઈ ગયું તે પછી, જ્યાં સુધી મીણ ઓગળીને બહાર નીકળી ન જાય ત્યાં સુધી તેને ગરમ કરવામાં આવ્યું જેના બાદ કઠણ સિરામિક શેલથી અંદરમાં બીબું નિર્માણ પામ્યું.
ક્લે મોડલ સાથે શિલ્પી શ્રી વિનેશ વિજયન |
આ સમસ્ત પ્રક્રિયા પછી, ગુરુવાર વૈશાખ સુદ ૪ ના રોજ (૫-૫-૨૦૨૨) શુભ મંગલ મુહૂર્તે, પીગળેલા પંચધાતુને બીબામાં રેડવામાં આવ્યું અને એક દિવસ સંપૂર્ણ બીબાંને ઠંડુ કરવામાં આવ્યું. છઠ્ઠી મેં ના રોજ બીબામાંથી પ્રતિમાજીને કાઢીને સેન્ડબ્લાસ્ટિંગ દ્વારા સાફ કરવામાં આવી અને સાતમી મેં ના રોજ ફિનિશિંગ આપવામાં આવ્યું - જેમ પ્રભુનો જન્મ થયો હોય તે રીતે જીવિત પ્રભુની પ્રતિકૃતિ રૂપ પ્રતિમા નિર્માણ પામી!
શુભ લગ્ને જિન જન્મિયા ! |
ફિનિશિંગ બાદ પ્રભુનો પ્રથમ દેદાર (વિવિધ એન્ગલમાં) |
------------------------
પાદનોંધ -
[1] કેવળજ્ઞાન પછી પ્રભુની બ્રાહ્મણકુંડ-ક્ષત્રિયકુંડમાં પધરામણી, દેવાનંદા-ઋષભદત્ત, પ્રિયદર્શના-જમાલી આદિની દીક્ષાના ઉલ્લેખ શ્રી ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર ગ્રંથમાં પ્રાપ્ત થાય છે; પ્રભુની ધ્યાન સાધનાનું વિવરણ શ્રી આચારાંગ સૂત્ર તથા પ્રભુના રૂપનું વર્ણન શ્રી ઔપપાતિક સૂત્ર નામના પવિત્ર આગમ ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. શ્રી નંદિવર્ધન રાજા દ્વારા શ્રી જીવિત સ્વામી પ્રભુની પ્રતિમા નિર્માણની કથા લોકોકિત પ્રમાણે ગુરુમુખે જાણેલી છે પરંતુ શિલાલેખના અભાવે ઇતિહાસના વિશેષજ્ઞો, શ્રી અજય કુમાર સિંહા, ર્ડા. સાગરમલ જૈન આદિ સંશોધકો આ પ્રતિમાજીનું મુર્તિમંડન તેની કલાકૃતિ, લક્ષણ, તથા સમાન કલાકૃતિ વાળા બૌદ્ધ તથા જૈન શિલ્પોના આધારે આ પ્રતિમાજીને ‘પાલ’ કાલીન (લગભગ ૧,૦૦૦ વર્ષ પ્રાચીન) બતાવી છે;
[2] આચાર્યદેવ શ્રીમદ વિજય શ્રી હેમરત્નસૂરિશ્વરજી મહારાજ દ્વારા લિખિત પુસ્તક "શ્રી આદિજીનબિંબ નિર્માણ પ્રબંધ" પુસ્તકમાંથી સાભાર.
[3] મૂર્તિ ઢાળવાની પ્રાચીન પદ્ધતિ: પૂર્વકાળે પંચધાતુના બિંબોની ઢલાઈ જુદી જુદી રીતે થતી હતી. તે કાળે મોટે ભાગે મૂર્તિઓ અંદરથી પોલી રાખવામાં આવતી હતી. પિંડવાડાની વસંતગઢથી સંપ્રાપ્ત થયેલી આઠમી સદીની ખડ્ગાસનવાળી મૂર્તિઓ અંદરથી પોલી છે. જ્યારે દેલવાડામાં ભીમાશાના મંદિરમાં આદિનાથ પ્રભુની ૧૫મી સદીની પ્રતિમા ૧૦૮ મણ વજનની નક્કર છે. તે જ રીતે અચલગઢ ઉપરની ૧૫મી સદીની ચાર પ્રતિમાજીઓ પણ અંદરથી બિલકુલ નક્કર છે. જ્યારે વડોદરા પાસે આકોટામાંથી નીકળેલ પ્રાચીનતમ પાંચમી સદીની આદિનાથની મૂર્તિ કાંસામાંથી બનેલી છે અને અંદરથી પોલી છે. પૂર્વકાળમાં આવી મૂર્તિઓની ઢલાઈ માટે અભિલસિતાર્થ ચિંતામણી નામના ગ્રંથમાં વર્ણન આપ્યું છે. તેના આધારે જાણી શકાય છે પૂર્વે આવા કાર્યો ઘણા કઠણ હતા. એ ગ્રંથમાં જણાવ્યું છે કે, પ્રથમ મીણનું મૉડેલ બનાવવું. મૉડેલ તૈયાર થયા બાદ હડપચીના પાછળના ભાગમાં અથવા મસ્તકના પાછળના ભાગમાં ધતુરાના ફૂલના આકારનું મીણનું નાળચું (ફનલ) બનાવવું પછી આખી મૂર્તિ ઉપર માટીનો લેપ કરવો. સેંકડો વાર કાપીને ઝીણું કરેલું કપાસ, મીઠુ અને ફોતરાની મેશ આ બધું ભેગું કરીને પથ્થર પાર ખુબ લસોટવું. એક્દમ મેંદા જેવું થઇ જાય પછી તેની માટી સાથે મીક્સ કરીને મીણના મૉડેલ પર ચારેકોર ચોપડવું પછી મૉડેલને સુકાવા દેવું. આમ ત્રણથી ચાર વાર લેપ કરવા અને ચતુર શિલ્પીએ વાયુ વિગેરેના પ્રયોગથી સુકવતા રહેવું. તે પછી જો પ્રતિમા તાંબા કે પીત્તળની બનાવાની હોય તો મીણના વજન કરતાં દશ ઘણું તાંબું-પીત્તળ લેવું. રૂપાની બનાવાની હોય તો બાર ઘણું અને સોનાની બનાવાની હોય તો સોળ ઘણું સોનું લેવું. આ ધાતુને પણ ચારેકોર ઉપરોક્ત માટીનો લેપ કરીને નારિયેળ જેવા આકારનું માટલું બનાવવું. આ માટલાને કોલસાના અગ્નિ પર તપાવવું. નવ વાર કોલસા નાખીને અગ્નિને પ્રદિપ્ત કરતા રેહવું. નવ વાર કોલસા નાખ્યા બાદ તાંબું પીત્તળ અવશ્ય પીંગળી જાય છે. જ્યારે ધાતુ પીગળી જાય ત્યારે તેમાં લોખંડના તીક્ષ્ણ સળીયાથી એકમાત્ર છેદ પાડવું અને માટી યુક્ત મીણની મૂર્તિને આગ ઉપર તપાવીને અંદરનું મીણ પાણી જેવું થઇ જતાં બહાર કાઢી નાખવું. મીણ નીકળી જતાં અંદર જે પોલાણ થાય તેમાં પેલો ધાતુનો રસ મુખમાં-હાંડી નમાવીને એકધારાએ સતત રેડતા રહેવું જ્યારે રસ છેક નાળચા સુધી ઉભરાઈ જાય પછી રેડવાનો બંધ કરવો. કોલસાની ભઠ્ઠી વિગેરે દૂર કરીને મૂર્તિને ઠરવા દેવી. બે-કે ત્રણ દિવસ જ્યારે ઠરી જાય ત્યારે ઉપરનું માટીનું કવચ તોડી નાખવું. જેવી મીણમાં હતી તેવી ભવ્ય પ્રતિમા બહાર આવશે. મસ્તકની પાછળનું નાળચું છીણી વડે તોડી નાખવું. ક્યાંક રસ અધિક દેખાય તો શિલ્પીએ કાનસથી ઘસી નાખવું. પ્રતિમાજીને પૉલીશ કરવી. વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરાવવી. (આચાર્યદેવ શ્રીમદ વિજય શ્રી હેમરત્નસૂરિશ્વરજી મહારાજ દ્વારા લિખિત પુસ્તક "શ્રી આદિજીનબિંબ નિર્માણ પ્રબંધ" પુસ્તકમાંથી સાભાર.)
[4] छवि वीतरागी नग्न मुद्रा, दृष्टि नासा पे धरे | वसु प्रातिहार्य अनंत गुणजुत, कोटि रवि छवि को हरें ||
Comments
Post a Comment